Gujarat

જીવલેણ ગૃહકંકાસઃ જમવાના મુદ્દે પતિએ પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી

By GS TEAM
13 Sep 20252 mins read
જીવલેણ ગૃહકંકાસઃ જમવાના મુદ્દે પતિએ પત્નીની હત્યા કરી પોતે આત્મહત્યા કરી

રાજકોટ નજીક પડધરીમાં ઘરેલુ ઝઘડામાં પતિ-પત્નીના મોત  : પતિએ માથામાં લાકડી ફટકારતા પત્નીનું સારવારમાં મોત : હુમલા પછી આરોપીએ કૂવામાં ઝંપલાવીને જીવ દઈ દીધો 

 રાજકોટ, : રાજકોટ નજીકના પડધરીના ગીતાનગર વિસ્તારમાં રહેતા છૂટક મજુરીકામ કરતા વલ્લભ ગગજીભાઈ વાઘેલાએ તેના પત્ની કનુબેન સાથે રાત્રે સરખુ જમવા નહીં આપવાની બાબતે ઝઘડો થતા પત્નીને લાકડીથી ફટકારતા માથામાં ગંભીર ઈજા સાથે આ મહિલાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પરિણમ્યો હતો અને આજે આરોપીને  પકડવાની પોલીસ કાર્યવાહી કરે તે પહેલા તેનો કૂવામાં મૃતદેહ મળી આવ્યો છે. ગૃહકંકાશમાં પતિ અને પત્ની બન્નેએ જીવ ગુમાવ્યો છે. 

પોલીસસૂત્રો અનુસાર  આરોપી વલ્લભની બન્ને કિડની ખરાબ હતી અને તેના પત્ની કનુબેન વાઘેલા સામે પણ અગાઉ દારૂના કેસો નોંધાયા છે. તા. 11ની રાત્રિના વલ્લભ જમવા બેઠો ત્યારે જમવાનું બરાબર નહીં હોવાથી આ મુદ્દે તેણે પત્ની સાથે ઝઘડો કર્ જે અત્યંત ઉગ્રતામાં પરિણમ્યો હતો. નશામાં ભાન ભુલેલા વલ્લભે કનુબેનને લાકડીથી ફટકારતા માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ અંગે મૃતકના પુત્ર રાજેશ વાઘેલા (ઉ. 22)એ તા. 12ના સવારે 3-30 વાગ્યે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મૂજબ  મમ્મીને ઘરમાં પુરીને પપ્પા મારતા હોવાની જાણ થતા ઘરે જતા કનુબેન લોહીલુહાણ પડયા હતા અને બાજુમાં રક્તરંજિત લાકડી પડી હતી. કનુબેનને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડીને પોતાની માતા ઉપર જીવલેણ હુમલો કરીને પોતાના પિતા ભાગી ગયા છે તેવી ફરિયાદ રાજેશે નોંધાવતા પડધરી પોલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસે સ્થળ તપાસ કરતા રાંધેલુ શાક,રોટલી સહિત અન્ન પડયું રહ્યું હતું. આજે આરોપીને પકડવા તજવીજ થાય તે પહેલા ઘરથી અર્ધા-પોણો કિ.મી.દૂર પંચાયતના કૂવામાં લાશ મળી આવી હતી. પોલીસસૂત્રો અનુસાર હત્યા બાદ લાગી આવતા અને પોતાની બન્ને કિડની પણ ખરાબ હોય આવેશમાં આવીને તેણે આપઘાત કરી લીધો છે.