ઉધના ત્રણ રસ્તા પાસે ઘરે જવા રીક્ષામાં બેસેલા યુવાન ઉપર જીવલેણ હુમલો
જે રીક્ષામાં યુવાન બેસ્યો હતો તે જ રીક્ષામાં બાદમાં ફરાર થઇ ગયેલા હુમલાખોરને ઉધના પોલીસે ઝડપી લીધો
સુરત તા.25 જુલાઈ 2020 શનિવાર
સુરતના ઉન પાટીયા વિસ્તારની કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા યુવાનને ગતરાતે ઉધના ત્રણ રસ્તા પાસે રીક્ષામાંથી ખેંચી ગળે ચપ્પુ મારી દેવાયા બાદ હુમલાખોર તે જ રીક્ષા લઇને ફરાર થઇ ગયો હતો. જોકે તેને બાદમાં ઝડપી લેવાયો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયત મીઠીખાડી બેઠી કોલોની સ્લમ બોર્ડ ઘર નં.એ/260 માં રહેતો 21 વર્ષીય અફઝલ ઇસ્માઇલ શા ઉન પાટીયા સાલીમાં પાર્કમાં આવેલી ઝાઝરીયા નિર્માણ પ્રા લિ માં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગતરાત્રે નોકરી પતાવી ઉનપાટીયાથી રીક્ષામાં ઉધના ત્રણ રસ્તા આવી જે.પી.બેકરી પાસે ઉભેલી ઉધના સ્ટેશન જતી એક રીક્ષામાં તે બેસ્યો હતો.
તે એકલો પ્રવાસી હોવાથી રીક્ષાચાલક અન્ય મુસાફર શોધતો હતો ત્યારે સામેથી 25 થી 30 વર્ષનો અજાણ્યો આવ્યો અને અફઝલને રીક્ષામાંથી ખેંચી ગાળાગાળી કરી માર મારી ગળે ચપ્પુ મારી દીધું હતું. અને અફઝલ બેઠો હતો તે રીક્ષા લઇને ભાગ્યો હતો ચાલકે અટકાવવાનો પ્રયાસ કર્યો પણ સફળ થયો નહોતો. ઇજાગ્રસ્ત અફઝલને એક બાઇકસવાર ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા બાદ 108માં સ્મીમેરમાં ખસેડાયો હતો. ઉધના પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આખીરાત સીસીટીવી ફૂટેજ ચકાસી હુમલો કરી રીક્ષા લઇ ફરાર થયેલા યુવાનને ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે.