Amreli Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલાના હિંડોરણા બ્રિજ નજીક ટ્રકની પાછળ કાર ઘુસી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે. આ ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું અને જ્યારે અન્ય 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે પર પસાર થતી કાર રોડ પર ઉભેલા ટ્રક પાછળ ઘુસી ગઈ. કારની સ્પીડ એટલી બધી હતી કે રોડ પર ઉભેલ ટ્રક સાથે અથડાતા જ એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. કારમાં સવાર લોકો સુત્રાપાડા લગ્ન પ્રસંગમાંથી ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વડિયા ગામ ઘરે જતા હતા. આ દરમિયાન ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પરથી પસાર થતા રાજુલાના હિંડોરણા બ્રિજ પાસે પાર્કિંગ કરેલી ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો. નોધનીય છે કે, હાઇવે ઉપર પાર્કિંગ કરતા ટ્રક ચાલકો સામે પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ઊઠી છે.


