Get The App

પંચમહાલ બસ સ્ટેશનમાં અકસ્માત, એસ.ટી. બસનું ટાયર ફરી વળતા વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
પંચમહાલ બસ સ્ટેશનમાં અકસ્માત, એસ.ટી. બસનું ટાયર ફરી વળતા વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત 1 - image

Panchmahal Bus Station Accident: પંચમહાલના બસ સ્ટેશનમાં મંગળવારે (30મી ડિસેમ્બર) અકસ્માત સર્જાયો હતો. એસ.ટી. બસના ટાયર નીચે આવી જવાથી એક 70 વર્ષીય વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અકસ્માતને પગલે બસ સ્ટેશનમાં અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

બસ ઉપડતી વખતે સર્જાયો અકસ્માત

મળતી માહિતી મુજબ, ગોધરા વિભાગની વડોદરા-સંતરામપુર ડેપોની એસ.ટી. બસ શહેરા બસ સ્ટેશન ખાતે આવી હતી. બસમાંથી મુસાફરો ઉતરી ગયા બાદ જ્યારે ડ્રાઈવરે બસ આગળ ચલાવી, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

પંચમહાલના એસ.ટી. વિભાગના જણાવ્યાનુસાર, બસ ઉપડી રહી હતી ત્યારે આશરે 70 વર્ષના વૃદ્ધા અચાનક બસની આગળ દોડીને આવી ગયા હતા, જેના કારણે ચાલક બસ થોભે તે પૂર્વે જ તેઓ ટાયર નીચે આવી ગયા હતા. બસનું ટાયર વૃદ્ધા પર ફરી વળતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં રોંગ સાઈડ આવતી કારનો ટ્રિપલ અકસ્માત, એક્ટિવા ચાલકને ઉડાવ્યો... મોટી જાનહાનિ ટળી

પોલીસે તપાસ હાથ ઘરી

ઘટનાની જાણ થતા જ શહેરા પોલીસ અને એસ.ટી. વિભાગના અધિકારીઓનો કાફલો તાત્કાલિક બસ સ્ટેશન દોડી આવ્યો હતો. પોલીસે વૃદ્ધાના મૃતદેહને પંચનામું કરી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. અકસ્માત સર્જનાર એસ.ટી. બસના ચાલકને હાલ શહેરા પોલીસ મથકે હાજર કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે શહેરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યાનુસાર, પ્રાથમિક અહેવાલ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનના આધારે તપાસ કરવામાં આવશે અને જો બસ ચાલકની બેદરકારી જણાશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.