Gujarat

પોલીસે મંજૂરી નહીં આપતાં ડાયમંડ વર્કર યુનિયને ઉપવાસ કાર્યક્રમ પડતો મુક્યો

By GS Team
29 Jul 20201 min read
This article was originally published on 29 Jul 2020
પોલીસે મંજૂરી નહીં આપતાં ડાયમંડ વર્કર યુનિયને ઉપવાસ કાર્યક્રમ પડતો મુક્યો

સુરત, 29   જુલાઈ, 2020, બુધવાર

હીરા ઉદ્યોગના રત્નકલાકારો માટે વિશેષ આર્થિક પેકેજ જાહેર કરવા અને હોસ્પિટલમાં સારવારમાં બેદરકારીને કારણે મૃત્યુ પામેલાં રત્નકલાકારના પરિવારજનોને ન્યાય આપવા માટે ઉપવાસ કાર્યક્રમ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસ દ્વારા મંજુરી નહીં આપતાં કાર્યક્રમ પડતો મુકાયો હતો.

સુરત જિલ્લા કલેકટરની કચેરી ખાતે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પાંચ આગેવાનો ઉપવાસ ઉપર બેસવાના હતાં. તે અંગે પરવાનગી પોલીસ કમિશનરની કચેરી પાસે મગાઇ હતી પણ કોવિડની ગાઇડલાઇનને ધ્યાને રાખીને આ મંજુરી આપવામાં આવી નહોતી.

હીરાઉધોગમાં કામ કરતા રત્નકલાકારોને લોકડાઉનનો પગાર ચૂકવવા, સરકાર તરફથી આર્થિક પેકેજ જાહેર કરવા, સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં બેદરકારીના કારણે મૃત્યુ પામેલા હરસુખ વાઘમસીને ન્યાય અપાવવા, હીરા ઉધોગને તાત્કાલિક ચાલુ કરવા તથા બેરોજગારી અને આર્થિક તંગીના કારણે આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારને આર્થિક મદદ કરવાની માગણીઓ યુનિયને મૂકી હતી.