Get The App

સુરેન્દ્રનગરમાં ખેતીવાડી કચેરીમાં પાક નુકસાનીના વળતર મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરમાં ખેતીવાડી કચેરીમાં પાક નુકસાનીના વળતર મુદ્દે ખેડૂતોનો હલ્લાબોલ 1 - image

2024 માં પાક નુકસાની વળતર ચૂકવવાની પણ માંગ કરી

ખેડૂતોની રજૂઆત સાંભળવા ખેતીવાડી અધિકારી હાજર ન રહેતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ ઃ ડીઆઈએલઆર કચેરીમાં પણ જમીન માપણી મુદે રજૂઆત કરી ખેડૂતોએ રામધૂન બોલાવી

સુરેન્દ્રનગરસુરેન્દ્રનગર જીલ્લામાં ગત ચોમાસામાં અતિવૃષ્ટિથી થયેલ નુકસાનનું ખેડૂતોને હજુ સુધી વળતર નથી મળ્યું ત્યારે ચાલુ વર્ષે ફરી કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે. જેને લઈને ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ખેતીવાડી અધિકારીની કચેરીમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ જમીન માપણીના પ્રશ્નો અંગે પણ ડીઆઈએલઆર કચેરીમાં અનેકવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા રોષે ભરાયેલા ખેડૂતોએ કચેરીમાં જ નીચે બેસી રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે દિવાળી બાદ સતત ૦૭ દિવસ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હજારો હેક્ટર જમીનમાં કપાસ, મગફળી સહિતના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. ત્યારે સરકાર દ્વારા હજુ પણ સર્વેની લોલીપોપ આપવામાં આવી રહી છે જેને ધ્યાને લઈને પાટડી તાલુકા સહિત જીલ્લાભરના ખેડૂતોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. જેને ધ્યાને લઈને તમામ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ સાથે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સુરેન્દ્રનગર જીલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીમાં ઉગ્ર રજૂઆત કરી હતી.

ખેડૂતોએ જણાવ્યું હતું કે ગત વર્ષે ૨૦૨૪મા થયેલા નુકસાન મામલે સરકાર દ્વારા બે વખત સહાય જાહેર કરી છતાં હજારો ખેડૂતોને હજુ ગત વર્ષની સહાયથી પણ વંચિત છે અને બીજી તરફ સરકાર અને સ્થાનિક પાટડીના ધારાસભ્ય પી.કે.પરમાર સહિતના રાજકીય આગેવાનો જિલ્લાના અંદાજે ૬૦,૦૦૦થી વધુ ખેડૂતોને સહાય ચૂકવી દેવામાં આવી હોવાની વાત કરે છે ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા સહાય ચુકવ્યા અંગેની આંકડાકીય વિગતો જાહેર કરે તેવી પણ માંગ કરી હતી.

ખેડૂતોની રજૂઆત સાંભળવા ખેતીવાડી અધિકારી હાજર પણ ન રહેતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો તેમજ ફરજ પરના અન્ય અધિકારીને સહાય બાબતે પ્રશ્નો પૂછતા અધિકારી સંતોષકારક જવાબ પણ આપી શક્યા નહોતા. આથી આગામી ૦૭ દિવસમાં ખેડૂતોને નુકસાની અંગે સહાય મામલે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ખેડૂતોએ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી તેમજ સર્વેના નાટક બંધ કરી ખેડૂતોને સીધી સહાય ચૂકવવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરી હતી.

આ ઉપરાંત સુરેન્દ્રનગર ડીઆઈએલઆર કચેરીમાં પણ જમીન માપણીના પ્રશ્નો મામલે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો અને રોષે ભરાયેલા ખેડૂતોએ ડીઆઈએલઆર કચેરીમાં જ નીચે બેસી રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. જો કે બાદમાં અધિકારીઓએ ખેડૂતોને યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપતા સમગ્ર મામલો થાળે પાડયો હતો. આ તકે મોટી ખેડૂત હિત રક્ષક સમિતિના સંયોજક વિક્રમભાઈ રબારી સહિત ખેડૂતો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.