પ્રાણીઓથી બચવા માટે હથિયાર પરવાના માગતો કિસાન સંઘ

પોરબંદર જિલ્લાના 152 ગામોમાં ખેતી કરવી મુશ્કેલ! : હડકાયાં શ્વાનથી માંડી રોઝ, દીપડા, સિંહથી ખતરોઃ પાકનાં રક્ષણ માટે ગામદીઠ 5 લાયસન્સ મંજૂર કરવા માંગ
પોરબંદર, : પોરબંદર જિલ્લાના ત્રણે તાલુકાઓ પોરબંદર, રાણાવાવ, કુતિયાણામાં ૧૫૨ ગામો આવેલા છે. જેઓનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ત્યારે જિલ્લામાં પાકના રક્ષણ માટે ખેડૂતોને હથિયાર રાખવા માટેના પરવાના રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવે તેવી માગણી સાથે આવેદન પાઠવવામાં આવ્યું છે.
આ બધા ગામોમાં ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા ખેડૂતો- પશુપાલકોને રખડતા ભટકતા પશુઓ, હડકાયા શ્વાન, શિયાળ અને અન્ય જનાવરો, ડૂક્કર, રોઝડા, નીલગાય, દીપડા અને સિંહનો પણ ત્રાસ છે. પ્રતિદિન આ ત્રાસમાં વધારો થતો જતો હોવાથી ખેતી કરવી મુશ્કેલ છે. ખેડૂતો ખેતી છોડવા મજબૂર બની રહ્યા છે. દીપડા અને અન્ય વન્ય પ્રાણીઓ ગ્રામ્ય પ્રજા અને મજૂરો પર જીવલેણ હુમલા કરે છે. ઘણા ખેડૂતોએ જીવ પણ ગુમાવેલ છે.
ખેતી માટે સૌથી મુશ્કેલ પ્રશ્ન પાક રક્ષણનો છે. ખેડૂતોએ ફરજિયાત ખેતર પર પાક રક્ષણ માટે રાત્રે જવું પડે છે. ખેતી પાકનાં રક્ષણ અને સ્વબચાવ માટે પોરબંદર જિલ્લાના ખેડૂતોને ગામદીઠ પાંચ હથિયારના પરવાના સરકાર દ્વારા મંજુર કરવામાં આવે તેવી માગણી સાથેનું આવેદનપત્ર ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને પાઠવવામાં આવ્યું છે.








