Gujarat

મુળીના ગોદાવરી ગામમાં તસ્કરોના ત્રાસથી ખેડૂતો પરેશાન

By GS TEAM
28 Oct 20251 min read
મુળીના ગોદાવરી ગામમાં તસ્કરોના ત્રાસથી ખેડૂતો પરેશાન

કાર્યવાહી હાથ ધરી તસ્કરોને ઝડપી પાડવા માંગ

મોટર, વાયર ચોરીની આઠ ઘટનાઓ બની પરંતુ પોલીસ તપાસ નહીં કરતી હોવાના આક્ષેપ

સુરેન્દ્રનગર -  મુળી તાલુકાના ગોદાવરી ગામે તસ્કરોના ત્રાસ મુદ્દે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. તસ્કરો દ્વારા રાત્રી દરમિયાન ખેડૂતોએ સિંચાઈ માટે જે મોટર ગોઠવી હોય તેના કિંમતી વાયરો અને ઈલેક્ટ્રીક મોટરોની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સતત બે વર્ષથી માવઠાનો માર સહન કરતા આવ્યા છે. બીજી તરફ માનવ સર્જિત આફતો સામે પણ ખેડૂતો હવે લડી રહ્યા છે. કડદા પ્રથાની સમસ્યાનો સામનો કરી રહેલા ખેડૂતોને પોલીસના પેટ્રોલિંગના અભાવે તસ્કરોના ત્રાસ સહન કરવાનો વારો આવ્યો છે. મુળી તાલુકાના ગોદાવરી ગામમાં ગણતરીના દિવસોમાં આઠ જેટલી ઘટનાઓ બની છે આ અંગે પોલીસમાં રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ કોઈ પણ પ્રકારના ગુના દાખલ ન કરવામાં આવતા હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેને લઇ ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને તસ્કરો ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.