'મગફળીના પાથરા તણાયા...', અમરેલીમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાની, સરકાર પાસે સહાયની માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli News : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિતના વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદના કારણે જગતનો તાત ચોધાર આંસુએ રડી રહ્યો છે. અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે. પાક તૈયાર થવાના સમયે જ કુદરતે માવઠા રૂપે જે કહેર વર્તાવ્યો. અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. કમોસમી વરસાદ થતાં ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યા છે અને ખેતરોને પાણીથી તરબોળ કરી નાખ્યા છે. જેના કારણે ખરીફ પાકમાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

અમરેલીના લાઠીમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે જાણે કાળો કેર વર્તાવ્યો છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોનો કપાસ, મગફળી સહિતનો તૈયાર પાક નિષ્ફળ ગયો છે. લાઠી તાલુકામાં પણ મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન થયું છે. આ માવઠાના મારથી જગતનો તાત આજે મુશ્કેલીમાં મુકાયો છે. લાઠી તાલુકાના કેરાળા ગામની વાત કરીએ તો, અહીં મોટાભાગના ખેડૂતોએ મગફળી અને કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ મગફળી ઉતારા પર આવી ત્યારે જ કમોસમી વરસાદ તૂટી પડ્યો. પરિણામે, મગફળીના પાથરા તણાયા અને પાથરામાં પડેલા વરસાદને કારણે મગફળી સાવ બગડી ગઈ.

ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો જાણે કુદરતે ઝૂંટવી લીધો હોય તેવી સ્થિતિ છે. લાઠી તાલુકાના કેરાળા ગામના આ તમામ ખેડૂતો હવે સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે, "સરકાર અમારી સામે જુએ, અમને મોટું નુકસાન થયું છે, ઘાસચારો પણ બગડી ગયો છે. તાત્કાલિક સર્વે કરીને સહાય આપે તેવી અમારી માગ છે."

ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ખેતરોમાં નિરીક્ષણ કરી રહ્યા છે, ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે. આ સંકટની ઘડીમાં લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ લાઠી તાલુકાની મુલાકાત લીધી હતી. તેમણે અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લીધી, નુકસાનીની તપાસ કરી અને ખેડૂતોની વ્યથા સાંભળી હતી. ધારાસભ્યએ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને યોગ્ય સહાય અપાવવા માટેની ખાતરી પણ આપી હતી.










