જેસરના નવી કાત્રોડી પંથકમાં વીજકાપ અપાતા ખેડૂતોને ભારે હાલાકી

- નાયબ ઈજનેરને આવેદન આપી રજુઆત કરાઈ
- ઘણા વીજપોલ પર વૃક્ષો અને વેલા ઉગી નિકળતા વારંવાર વીજવિક્ષેપ થતા વૃક્ષ કટીંગની આવશ્યકતા
કાત્રોડી અગાઉ ઝડકલા ફીડરમાં જોડાયુ હતુ. બાદ નવા ફૂલવાડી ફીડરમાં જોડાણ કરાતા ખેડૂતોને પૂરતો સમય વીજ પુરવઠો મળતો નથી. અઠવાડિયામાં બે થી ત્રણ વખત અચાનક વીજકાપ મૂકાતા પિયતમાં અડચણ ઉભી થાય છે તેના પરિણામે ખેડૂતોના પાકને અસર થાય છે અને મહેનતના પ્રમાણમાં ઉત્પાદન મળતું નથી. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પૂરતી વીજળી આપવાનો દાવો કરાય છે ત્યારે આ વિસ્તાર પ્રત્યે આવો અન્યાય શા માટે થાય છે તેવો પ્રશ્ન ખેડૂતો દ્વારા ઉઠાવાયો હતો. ફૂલવાડી ફીડરમાં અઠવાડિયામાં ૩ થી ૪ વખત મુશ્કેલી સર્જાય ત્યારે વચ્ચેથી પાવર કટ કરીને ફીડર ચાલુ રાખવામાં આવે છે, જેથી અડધા વિસ્તારમાં વીજળી મળે છે જયારે આ વિસ્તારમાં વીજ પુરવઠો સંપૂર્ણ બંધ રહે છે.લોકો નિયમિત લાઇટ બિલ ભરતા હોવા છતા આવો ભેદભાવ શા માટે રાખવામાં આવે છે. તેમજ અહિ ઘણા વીજ પોલ પર મોટા પ્રમાણમાં વૃક્ષો અને વેલાઓ ઉગી નીકળેલા છે, જેના કારણે વારંવાર વીજ વિક્ષેપ થાય છે. આ બાબતે સમયસર ટ્રી કટીંગ કરાવવું અત્યંત જરૂરી છે. તેમજ રીપેરીંગ દરમિયાન જમ્પર વગેરે કામ યોગ્ય રીતે થતું નથી તેમ આગેવાનોએ અંતમાં જણાવ્યુ હતુ.








