પાટડી ખાતે આવેલ બેન્ક ઓફ બરોડામાં ખેડુતોએ હલ્લાબોલ સાથે ઉગ્ર રજુઆત કરી
- પાકધિરાણની સબસીડીની રકમ ચુકવવામાં ન આવતા ખેડુતોમાં રોષ
- અંદાજે ૧૦૦૦થી વધુ ખેડુતોના ખાતામાં છેલ્લા ૩ વર્ષથી રકમ જમા ન થતાં હાલત કફોડી
સુરેન્દ્રનગર : પાટડી ખાતે આવેલ બેન્ક ઓફ બરોડામાં પાક ધિરાણના ખેડુત ખાતેદારોને મળવાપાત્ર ૪% વ્યાજની રકમ પરત નહિં મળતા ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી અને આગામી સમયમાં યોગ્ય નિરાકરણ નહિં આવે તો પાક ધિરાણના ખાતા બંધ કરી અન્ય બેન્કમાં પાકધિરાણ લેવા માટે ખાતા શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ રાજ્ય સરકારની ખેડુતલક્ષી યોજના હેઠળ ખેડુતો પાકધિરાણ મેળવે છે અને સરકાર દ્વારા પાકધિરાણ બદલ ખેડુતોને મળવાપાત્ર ૪% સબસીડીની રકમ જમા આપવામાં આવે છે પરંતુ દસાડા તાલુકામાં ખેડુતોને બેન્ક ઓફ બરોડા દ્વારા પાક ધિરાણની સબસીડી જમા આપવામાં ન આવતા ખેડુતોમાં બેન્કના મેનેજર સહિત જવાબદાર અધિકારીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. જે મામલે ભોગ બનનાર ખેડુતો સહિત આગેવાનોએ અનેક વખત બેન્ક ઓફ બરોડાના મેનેજર સહિત ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવા છતાં કોઈ જ નિરાકરણ ન આવતા મોટીસંખ્યામાં ખેડુતો સહિત ખેડુત હિતરક્ષક સમિતિના હોદ્દેદારો બેન્ક ખાતે એકત્ર થયા હતા અને બેન્ક ઓફ બરોડાના મેનેજરને પાક ધિરાણની સબસીડી મુદ્દે ઉગ્ર રજુઆત કરી હતી તેમજ આગામી ૧૫ દિવસમાં જો ખેડુતોના બેન્ક ખાતામાં સબસીડીની રકમ જમા કરવામાં નહિં આવે તો દસાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડુતો બેન્ક ઓફ બરોડામાંથી પાક ધિરાણનું ખાતું બંધ કરી બીજી બેન્કમાં પાકધિરાણ લેવા ખાતુ ખોલાવી નાખશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે-ત્રણ વર્ષથી દસાડા તાલુકાના અંદાજે ૧૦૦૦થી વધુ ખેડુતોને સબસીડીની ૪ કરોડથી વધુ રકમ બાકી હોવા છતાં બેન્કના અધિકારીઓ દ્વારા માત્ર આશ્વાસન જ આપવામાં આવતું હોવાથી ખેડુતોમાં રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલીક આ અંગે યોગ્ય નિરાકરણ લાવવાની પણ માંગ કરી હતી.