ખેડૂતો પેસ્ટિસાઈડ, રાસા. ખાતર ઘટાડી ઓર્ગેનિક ખેતી અપનાવેઃ અમિત શાહ

રાજકોટમાં સહકાર-ખેડૂત સંમેલનમાં કેન્દ્રીય ગૃહમંત્રીની અપીલ : ઓર્ગેનિક ખેતીથી દેશના લોકોનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ ખેડૂતો કરે તો તેમને મોટો નફો મળે તેવી વ્યવસ્થા કરી છે
રાજકોટ, : રાજકોટના રેસકોર્સમાં આજે જિલ્લા સહકારી બેન્ક સહિત 7 સહકારી સંસ્થાઓની સંયુક્ત સાધારણ સભા સાથે ખેડૂતોનું સહકાર મહાસંમેલન યોજાયું હતું જેમાં ઉપસ્થિત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશની જગ્યાએ પ્રાકૃતિક ,જૈવિક (ઓર્ગેનિક) ખેતી અપનાવવા ખેડૂતોને ભારપૂર્વક અપીલ કરી હતી.
તેમણે કહ્યું ખેડૂતો રાસાયણિક ખાતર,પેસ્ટીસાઈડ્સનો ઉપયોગ ઘટાડીને ઓર્ગેનિક ખેતી અપનાવીને દેશના લોકોનું સ્વાસ્થ્ય સુધારવાનું કામ ખેડૂતોએ કરવું જોઈએ અને તેનાથી ખેડૂતોને પણ સવિશેષ આવક, મોટો નફો મળે તેવી વ્યવસ્થા અમે કરી છે. ખેડૂતો પાસેથી ઓર્ગેનિક ખેતપેદાશો લઈને તે વેચીને તેનો પૂરો નફો ખેડૂતોને મળે તેવા પગલા લેવાયા છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું દેશમાં સહકારી ક્ષેત્રને મજબૂત કરવા ઈ.સ.2021માં વડાપ્રધાને સહકારનું અલગ ખાતુ બનાવી તેને મજબૂત કરવા શ્રેણીબધ્ધ પગલાઓ લીધા છે જેનાથી અગાઉના 40 વર્ષમાં સહકાર ક્ષેત્ર નીચે જતું હતું તે હવે વિસ્તરી રહ્યું છે. આણંદમાં સહકારી વિશ્વવિદ્યાલય સ્થપાયું છે. ખેડૂતોના ઉપયોગની તેમજ રોજબરોજની જરૂરી વસ્તુઓ ઉપરનો જીએસટી 18-22 ટકાથી ઘટાડીને ઝીરો કે 5 ટકા કર્યો છે.ખેડૂતો,પશુપાલકોને તેમની મહેનતનો નફો મળે તેવું મજબૂત કામ કરી રહ્યા છીએ.
રાજકોટ જિલ્લાની સહકારી ક્ષેત્રને મજબૂત કરવા થયેલી કામગીરીને બીરદાવીને દેશના સહકારી ક્ષેત્ર માટે રાજકોટ જિલ્લો નમુનારૂપ બન્યાનું જણાવી કાર્યક્રમ પૂર્વે રાજકોટ ડિસ્ટ્રીક્ટ બેન્ક ખાતે સ્વ.વલ્લભભાઈ પટેલ અને સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આજે જયેશ રાદડીયાના નેતૃત્વમાં રાજકોટ જિ.બેન્ક, દૂધ ઉત્પાદક સંઘ, ખરીદ વેચાણ સંઘ, સહકારી સંઘ, કોટન માર્કેટીંગ , પ્રકાશન અને મુદ્રણ, કર્મચારી શરાફી મંડળી સહિત 7સહકારી સંસ્થાઓની આજે સંયુક્ત સામાન્ય સભા યોજાઈ હતી જેમાં હજારો ખેડૂતો,સભ્યો ઉમટી પડયા હતા.








