માવઠાંથી નુકસાન સામે સહાય માટે અરજી કરવાની મુદ્દત પૂર્ણ 4.77 લાખ ખેડૂતોના ખાતામાં રૂા. 1553 કરોડની રાહત પેકેજની રકમ જમા, IFSC કોડમાં ભૂલથી અનેક ખેડૂતોની સહાય રિટર્ન
રાજકોટ, : ગુજરાતમાં દિવાળી બાદ થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોએ ખેતીમાં પારાવાર નુકસાની વેઠવી પડી હતી. જે અન્વયે સરકાર દ્વારા તાત્કાલિક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના અંદાજ બાદ સરકારે રૂા. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરીને અરજી સ્વીકારવાનું ચાલુ કરવામાં આવ્યું હતું અને બાદમાં સમયમર્યાદા લંબાવીને 5 ડિસેમ્બર કરવામાં આવી હતી, પણ ગઈકાલે પૂર્ણ થઈ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં ગઈકાલે સાંજે નિયત સમય સુધીમાં 16.71 લાખ ખેડૂતોએ અરજી કરી છે. બીજી તરફ સાથે-સાથે સહાય ચુકવણું પણ ચાલુ છે, જેમાં આજે બપોર સુધીમાં 4.77 લાખ ખેડૂતોને રૂા. 1553 કરોડની સહાય ચુકવી દેવામાં આવી છે. જો કે, અનેક અરજીમાં ક્ષતિ અને ગોટાળાના કારણે સહાય રીટર્ન થઈ રહી છે. નુકસાન માટે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ખેડૂત દીઠ 2 હેક્ટર મર્યાદામાં રૂા.22,000 પ્રતિ હેક્ટર વળતર મળવાપાત્ર થાય છે. રાજકોટ અને જૂનાગઢ વિભાગ હેઠળના રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ મળીને 12 જિલ્લામાં ગઈકાલની અંતિમ મુદત સુધીમાં જે-તે ગામના વીસીઈ હસ્તક 16,71,261 ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે. જેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લામાં 2.41 લાખ ખેડૂતો છે. સૌથી ઓછા પોરબંદર જિલ્લામાં 55,673 ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે.
વાસ્તવિકતા એ છે કે, વીસીઈ દ્વારા ઓનલાઈન નોંધણી બાદ એક હાર્ડકોપી જે-તે તાલુકા વિકાસ અધિકારીને મોકલવાની હોય છે, જેના આધારે ડીડીઓ તરફથી મંજુરી મળતા એકાઉન્ટ શાખા દ્વારા લાભાર્થી ખેડૂતના બેંક ખાતામાં સહાયની રકમ જમા કરવામાં આવે છે. પરંતુ અનેક વીસીઈ દ્વારા ટીડીઓને હજુ હાર્ડકોપી મોકલાવામાં આવી નથી. આ ઉપરાંત મોટાભાગના ખેડૂતોનું ખાતું સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં છે, જેમાં અનેક એકાઉન્ટમાં આઈએફએસસી કોડ બદલી જતાં સહાયની રકમ ખેડૂતોના ખાતામાં જમા થવાને બદલે રીટર્ન થઈ રહી છે.


