સાવરકુંડલામાં યુરિયા ખાતર ન મળતાં વેચાણ સંઘ ગોડાઉને ખેડૂતોનો હલ્લાબોલ

વરસાદના વિરામ વખતે યુરિયા ખાતરની તાતી જરૂરત : સૂત્રોચ્ચાર કરી સંઘના પ્રમુખનો ખેડૂતોએ ઘેરાવ કર્યો, આંદોલન કરવાની પ્રાંત અધિકારીને ચીમકી
અમરેલી, સાવરકુંડલા, : સાવરકુંડલા અને આજુબાજુના ગામોના ખેડૂતોને યુરિયા ખાતર ન મળતા આજે ખેડૂતોએ ખરીદ વેચાણ સંઘ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે ગોડાઉન પાસે હલ્લાબોલ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ સંઘના પ્રમુખને ઘેરાવ કર્યો હતો. યુરિયા ખાતરના વેચાણ પર અચાનક રોક લાગી જતાં ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને વરસાદના વિરામ (વરાપ) પછી ખાતરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.
સાવરકુંડલા ખરીદ વેચાણ સંઘ પાસે યુરિયા ખાતરનો જથ્થો હાજર હોવા છતાં ખેડૂતોને ખાતરનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું હતું. આ અંગે જયારે ખેડૂતોએ વિરોધ કર્યો ત્યારે સામે આવ્યું કે ખરીદ વેચાણ સંઘ સાવરકુંડલાનું લાયસન્સ છેલ્લા 15 દિવસથી રદ કરવામાં આવ્યું છે, જેના કારણે ખાતરનું વેચાણ અટકાવી દેવાયું છે. ખાતર ન મળવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ વરાપ નીકળ્યો હોવાથી ખેડૂતોને પાકમાં યુરિયા ખાતર નાખવાની તાત્કાલિક જરૂર છે. જો આ સમયે ખાતર નહીં મળે તો પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે.








