પાક નુકસાનીનું વળતર નહીં મળતા કલેકટર કચેરી સામે ખેડૂતો અને કોંગ્રેસના ધરણા
સુરેન્દ્રનગરમાં ૧.૬૮ લાખ અરજી સામે ૭૪,૯૬૬ ખેડૂતો હજુ વળતરથી વંચિત
ઓક્ટોબર ૨૦૨૪માં ભારે વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું ઃ નવા ઠરાવ મુજબ માત્ર કપાસમાં નુકસાની વળતરની જાહેરાત સામે રોષ
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર ૨૦૨૪માં થયેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું. જેની સામે સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાં જિલ્લાના પચાસ ટકા ખેડૂતોને વળતર નહીં મળતા આજે ખેડૂતો અને કોંગ્રેસના આગાવાનોએ કલેક્ટર કચેરી સામે સુત્રોચ્ચાર કરી ધરણા યોજ્યા હતા. આ ઉપરાંત સરકારના નવા ઠરાવ મુજબ માત્ર કપાસના પાકમાં નુકસાની અંગે વળતરની જાહેરાત સામે રોષ વ્યક્ત કર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષ ૨૦૨૪માં ચોમાસામાં ઓક્ટોબર મહિનામાં થયેલા ભારે વરસાદને પગલે ખેડૂતોને વ્યાપક નુકસાની પહોંચી હતી. જે અંગે સરકારની જાહેરાત મુજબ વળતર મેળવવા જિલ્લાના તમામ ૧૦ તાલુકાના કુલ ૧,૬૮,૦૯૪ ખેડૂતોએ પાક નુકશાનીનું વળતર મેળવવા અરજીઓ કરી હતી પરંતુ તે પૈકી ભાજપ સરકાર દ્વારા માત્ર ૯૩,૧૨૮ ખેડૂતોને જ નજીવી રકમનું વળતર ચુકવવામાં આવ્યું છે જ્યારે બીજી બાજુ જીલ્લાના કુલ ૭૪,૯૬૬ ખેડુતો વળતરથી વંચીત રહી ગયા છે. જેમાં પણ તાજેતરના જુલાઈ-૨૦૨૫માં ભાજપ સરકાર દ્વારા બહાર પાડેલ ઠરાવ મુજબ ફક્ત કપાસના પાકમાં થયેલ નુકશાની અંગે વળતર ચુકવવાની જાહેરાત કરી છે. તેમજ સરકાર દ્વારા ભેદભાવ રાખી અમુક પસંદગીના ગામોને જ પાક નુકશાની અંગે વળતર ચુકવી વ્હાલા દવલાની નીતી રાખતા ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને હજારો ખેડુતો પાક નુકશાનીના વળતરથી વંચીત રહેતા હાલત કફોડી બની છે. જે મામલે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી સામે જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા યોજી ભાજપ સરકાર સામે સુત્રોચ્ચાર અને ખેડૂતોને વળતર આપો... ખેડૂતોને ન્યાય આપો... સહિતના નારાઓ લગાવી વિરોધ કર્યો હતો અને ત્યારબાદ જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી અને અગાઉ કરેલ અરજીઓ મુજબ જ બાકીના ખેડુતોને કોઈપણ પાકની નુકશાની માટે વળતર ચુકવવાની માંગ કરી હતી. આ તકે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો નૌશાદ સોલંકી, ઋત્વિક મકવાણા, વિક્રમભાઈ રબારી સહિત તમામ તાલુકાના પ્રમુખો, હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો સહિત ખેડુતો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.