Get The App

સાવરકુંડલા અને લીલીયા પંથકના ખેડૂતોએ કર્યું આંદોલન, પ્રાંત કચેરીનો કર્યો ઘેરાવો, આવેદનપત્ર આપ્યું

Updated: Aug 6th, 2025

GS TEAM

Google News
Google News
સાવરકુંડલા અને લીલીયા પંથકના ખેડૂતોએ કર્યું આંદોલન, પ્રાંત કચેરીનો કર્યો ઘેરાવો, આવેદનપત્ર આપ્યું 1 - image


Amreli News : અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકમાં અને લીલીયા પંથકના ખેડૂતોના આઠ જેટલા મુદ્દાઓને લઈને આજે બુધવારે (6 ઓગસ્ટ) ખેડૂત આંદોલન કરવામાં આવ્યું હતું. ખેડૂતો રેલી કાઢીને પ્રાંત કચેરીનો ઘેરાવ કર્યા બાદ આવેદનપત્ર આપ્યું હતું. 

સાવરકુંડલા અને લીલીયા પંથકના ખેડૂતોએ કર્યું આંદોલન

સાવરકુંડલા લીલીયા વિસ્તારના ખેડૂતો પોતાના પ્રશ્નો માટે આજે એકઠા થયા હતા. લીલીયા વિસ્તારના આઠ જેટલા મુદ્દાઓને લઈને ખેડૂતોએ આંદોલન કર્યુ હતું. આ દરમિયાન કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને સાવરકુંડલા વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિતના અગ્રણીઓ ખેડૂતો સાથે રહ્યા હતા. 

ખેડૂતોને મોંઘવારીમાંથી બહાર કાઢવા, નિયમિત વીજળી આપવા, ખાતર બિયારણના ભાવ નિયંત્રણમાં લાવવા માટે આ ખેડૂતોને ખેતી બચાવો આંદોલનની પરેશ ધાનાણીએ સાવરકુંડલાથી શરૂ કર્યાની જાહેરાત કરી. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોના ખાતામાં સરકારે રૂપિયા પાંચ લાખ ઝીરો ટકા વ્યાજે આપવાની જાહેરાત કરી હતી, પરંતુ બે લાખ પરત લઈ લીધા અને પરિપત્રના બહાના તળે પરત લઈ ખેડૂતોની સાથે છેતરપિંડી કરી છે. 

આઠ મુદ્દાને લઈને કરી ખેડૂતોએ માગ

ખેડૂતોની માગ છે કે, 2024માં અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે ખેડૂતોને વળતર ચૂકવવાની જાહેરાત કરી તે પણ એક સમાન છે. પોર્ટલ ન ખોલવાને કારણે ખેડૂતો ફોર્મ ભરી શક્યા નથી તો તેમને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગણી છે. ત્રીજો મુદ્દો ખેડૂતોને પાયાનું ખાતર ન મળવાને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, યુરિયા ખાતર નહીં મળતા આત્મવિલોપન કરવો પડે તેવી સ્થિતિ છે. ચોથો મુદ્દો ઉનાળુ પાક ડુંગળી મગ અડદ તલ બાજરી જેવામાં કમોસમી વરસાદે પારાવારની નુકસાની કરી છે, ત્યારે ખેડૂતોને રાહત પેકેજ તાત્કાલિક ચૂકવવામાં આવે. પાંચમો મુદ્દો ડુંગળીના પૂરા ભાવ ખેડૂતોને મળ્યા નથી, જેથી ખેડૂતોએ ડુંગળી ફેંકી દીધી છે. ત્યારે સહાય સબસિડીની જાહેરાત કરવામાં આવે અને ખેડૂતોના ખાતામાં સહાય સબસીડીની રકમ જમા કરવામાં આવે. છઠ્ઠો મુદ્દો છેલ્લા દોઢ વર્ષમાં ખાતરના ભાવમાં વધારો થયો છે, જેને કારણે ખેડૂતની સ્થિતિ દયનીય થઈ છે. રૂપિયા 1232 માંથી 1480 અને સીધા રૂપિયા 1720 અને હાલ 1850નો ભાવ ખાતરનો પહોંચ્યો છે, ત્યારે તે ભાવ વધારો પાછો ખેંચવામાં આવે. 

આ પણ વાંચો: વડોદરા હાઇવે પરથી મળ્યો એક દુર્લભ 'આલ્બિનો કાચબો', કુતૂહલની સાથે ચિંતાનો વિષય

ખેડૂતોએ પોતાના મુદ્દાની રજૂઆત કરતાં જણાવ્યું કે, ખેડૂતોને ખેતીવાડી ફીડરમાંથી પૂરતા સમય માટે વીજળી મળતી નથી, તો 12 કલાક વીજળી આપવામાં આવે અને આઠમો મુદ્દો 2025-26ના વર્ષમાં ભારે વરસાદથી સાવરકુંડલા તાલુકાના ગામડાઓમાં ખેતરોમાં મોટે પાયે ધોવાણ થયું છે. તે નુકસાનીનો સર્વે કરીને તેનું વળતર ચૂકવવામાં આવે. આઠ મુદ્દા સાથે ખેડૂતોને ખેતી બચાવ આંદોલન કરવામાં આવી રહ્યું છે. જેનો ઉકેલ 15 દિવસમાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. 

Tags :