અમદાવાદ સહિતના પાંચ જિલ્લામાં ખેડૂતો વધ્યા પણ સબસિડી ઘટી, કોંગ્રેસે સરકારનો કાન આમળ્યો
Farmer Meta AI Image |
Gujarat Assembly : વિધાનસભામાં સોમવારે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ખેડૂતોને વીજ કનેકશન અને જેની સામે અપાયેલી સબસીડી-રાહતને લઈને સરકારને વેધક સવાલો કરાયો હતા અને સરકારનો કાન આમળવામાં આવ્યો હતો. કોંગ્રેસે અમદાવાદ સહિતના પાંચ જિલ્લામાં ખેડૂતો વધવા સામે સબસીડી ઘટી ગઈ હોવાના આંકડા રજૂ કરીને સરકારનો જવાબ માંગ્યો હતો.
સરકારે વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓ મુજબ અમદાવાદ જિલ્લામાં 2023માં 31637 ખેડૂતોને વીજ કનેકશન સામે 153.04 અને 2024માં 34048 કનેકશન સામે 135.09 કરોડની સહાય ચુકવાઈ હતી. આમ એક જ વર્ષમાં ખેડૂતો 3330 જેવા વધ્યા છે, પરંતુ સબસીડી એટલે કે સહાય 18 કરોડ જેટલી ઘટી ગઈ છે.
જ્યારે અમરેલીમાં 2023માં 132463 કનેકશન સામે 377.41 કરોડ અને 2024માં 135793 કનેકશન સામે 3392.28 કરોડની સહાય ચુકવાઈ. નવસારી જિલ્લામાં 2023માં 52205 કનેકશન સામે 74.87 કરોડ તથા 2024માં 52369 કનેકશન સામે 66.92 કરોડ રૂપિયાની સહાય ચુકવાઈ છે. જ્યારે મહેસાણામાં 2023માં 43468 કનેકશન સામે 701.44 કરોડ અને 2024માં 44471 કનેકશન સામે 637.65 કરોડ રૂપિયાની સહાય ચુકવાઈ હતી.
સાબરકાંઠા જિલ્લામાં 2023માં 89902 કનેકશન સામે 377.50 કરોડ રૂપિયા અને 2024માં 92400 કનેકશન સામે 347.82 કરોડ રૂપિયાની સહાય ચુકવાઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા અને શૈલેષ પરમાર દ્વારા આ પાંચેય જિલ્લામાં 2023ની સરખામણીએ 2024માં ખેડૂતોની-વીજ કનેકશનની સંખ્યા વધી હોવાનું અને સહાય કરોડો રૂપિયા ઘટી હોવાનું જણાવી સરકારને વેધક સવાલો કર્યા હતા.