Gujarat

લખતર તાલુકામાં ખેડૂતોએ નવી આશા સાથે શિયાળુ વાવેતર શરૃ કર્યું

By GS TEAM
20 Nov 20252 mins read
લખતર તાલુકામાં ખેડૂતોએ નવી આશા સાથે શિયાળુ વાવેતર શરૃ કર્યું

કમોસમી વરસાદની નિરાશા ભૂલીને

પંથકમાં વાવણી કાર્ય પૂરજોશમાં ઃ ખેતરો અને વાડીઓ ખેડૂતો અને શ્રમજીવીઓના કોલાહલથી ગૂંજી ઉઠયા

સુરેન્દ્રનગરલખતર તાલુકા પંથકમાં ખેડૂતોએ નવી આશા સાથે શિયાળુ પાકોના વાવેતરનો પ્રારંભ કર્યો છે. કમોસમી વરસાદને કારણે ખરીફ પાક નિષ્ફળ ગયા બાદ પણ ખેડૂતોએ હિંમત ન હારી રવિ પાક લેવા માટે કમરકસી છે. ખેડૂતોએ ઘઉં, જીરું, વરિયાળી, ધાણા, અજમો અને રાયડો જેવા વિવિધ રવી પાકોનું વાવેતર શરૃ કર્યું છે.

લખતર તાલુકાના ખેડૂતોએ શિયાળાના પ્રારંભ સાથે જ રવી પાકનાં વાવેતરના શ્રી ગણેશ કર્યા છે. હાલ ખેડૂતોએ પોતાના ખેતરોમાં ખેડ, ખાતર, પાણી અને બિયારણનો ઉપયોગ કરીને વાવણી કાર્ય પૂરજોશમાં શરૃ કરી દીધું છે. લખતર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં નવી આશા સાથે ખેડૂતોએ ઘઉં, જીરું, વરિયાળી, ધાણા, અજમો, રાયડો જેવા વિવિધ શિયાળુ પાકોના વાવેતર શરૃ કર્યા છે તો કોઈ જગ્યાએ ખેડૂતો દ્વારા વાવણી કરી ખેતરોમાં પિયત પણ ચાલું કરી દેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી પછી થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ખરીફ પાકોમાં થયેલા નુકસાનને કારણે ખેડૂતો નિરાશામાં સરી પડયા હતા, પરંતુ હવે તેઓ ફરીથી ખેતી તરફ વળ્યા છે.

હાલમાં ખેડૂતો બળદ અને ટ્રેક્ટર જેવા સાધનોનો ઉપયોગ કરીને શિયાળુ પાકોની વાવણી કરી રહ્યા છે. ખેડ, ખાતર, પાણી અને બિયારણનો યોગ્ય ઉપયોગ કરીને વાવણી કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વાવણી કાર્યને કારણે હાલમાં ખેતરો અને વાડીઓ ખેડૂતો અને શ્રમજીવીઓના કોલાહલથી ગૂંજી ઉઠયા છે. ખેડૂતો ફરી એકવાર સારા પાકની આશા સાથે સક્રિય બન્યા છે.