વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં ખેડૂતોની કફોડી હાલત

ખેડૂતોની
દિવાળી બગડી
રાસમમાં
મહિનાથી એક હજાર વીઘામાં પાણીનો ભરાવો,
ડાંગરનો પાક નિષ્ફળ
પાણીના
નિકાલ માટે વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય ઃ રવી પાક લઇ ન શકાય તેવી સ્થિતિ ઃ
સર્વે હાથ ધરી વળતર ચૂકવવા માંગ
બગોદરા -
બાવળા તાલુકાના રાસમ ગામમાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણીને
કારણે લગભગ ૧૦૦૦ વીઘા જમીન એક મહિનાથી પાણીમાં ગરકાવ છે. ખેતરોમાં લાંબા સમય સુધી
પાણી ભરાઇ રહેતા ખેડૂતોનો મુખ્ય પાક ડાંગર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.
બાવળા
તાલુકાના રાસમ ગામમાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણીને કારણે ગામની લગભગ ૧૦૦૦ વીઘા
જમીન એક મહિનાથી પાણીમાં ગરકાવ છે. વરસાદી તેમજ ઉપરવાસના પાણીનો નિકાલ કરવાની
યોગ્ય વ્યવસ્થાના કારણે ખેતરોમાં લાંબા સમય સુધી પાણીના ભરાવાને લીધે ખેડૂતોનો
મુખ્ય પાક ડાંગર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.
ખેડૂતોના
જણાવ્યા અનુસાર, પાણી હજુ પણ ભરાયેલું હોવાથી તેઓ આગામી રવી પાક પણ લઈ શકશે નહીં, જેના કારણે તેમની આજીવિકા પર ગંભીર જોખમ ઊભું થયું છે. ખેડૂતોને પોતાના
ખેતરોમાં જવા માટે પણ પાણીમાંથી પસાર થવું પડે છે. ખેડૂતોએ આ પરિસ્થિતિ માટે
તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવી છે. તેમનો આક્ષેપ છે કે કેટલાક માથાભારે દ્વારા
પાળો બાંધીને પાણીનો કુદરતી પ્રવાહ અટકાવ્યો છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં,
અધિકારીઓ માત્ર સ્થળ મુલાકાત લઈને પરત ફરે છે અને કોઈ નક્કર
કાર્યવાહી કરતા નથી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ખેતરો ઉપરાંત ગામના કેટલા મકાનોમાં
પણ વરસાદી પાણી મહિનાથી ભરાયેલા છે. ખેડૂતોએ તંત્ર પાસે તાત્કાલિક પાણીના નિકાલની
વ્યવસ્થા, નિષ્ફળ ગયેલા પાકનો સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવા
અને પાણીનો પ્રવાહ રોકનારા લોકો સામે કડક પગલાં ભરવાની માગ કરી છે.








