Get The App

અમિયાપુર ગામમાં ખેડૂતોએ વેચી દીધેલી જમીન ફરીવાર વેચી દેતા ફરિયાદ

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
અમિયાપુર ગામમાં ખેડૂતોએ વેચી દીધેલી જમીન ફરીવાર વેચી દેતા ફરિયાદ 1 - image

વેચાણ દસ્તાવેજની નોંધ નહીં પડવાની તકનો લાભ લઈને

કોર્ટમાં જમીનનો ખોટો સર્ચ રિપોર્ટ રજૂ કરી ૨૦૦૮માં કરવામાં આવેલો દસ્તાવેજ છુપાવ્યો ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના અમીયાપુર ગામની સીમમાં આવેલી જમીન પચાવી પાડવાના ઈરાદે અગાઉ દસ્તાવેજથી વેચી દીધેલી જમીન મૂળ માલિકોએ ફરીથી અન્ય વ્યક્તિઓને વેચી મારી હોવાની ઘટના સામે આવી છે. આ મામલે જમીન મૂળ ખરીદનાર મહિલાએ અડાલજ પોલીસ મથકે ૧૬ લોકો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

ગાંધીનગર જિલ્લામાં જમીન સંબંધીત છેતરપિંડી ની ઘટનાઓ વધી રહી છે ત્યારે અમિયાપુર ગામમાં પણ વધુ એક જમીન કૌભાંડ બહાર આવ્યું છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ચાંદખેડામાં રહેતા જાગૃતિબેન અંબાલાલ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે, તેમણે અને તેમના ભાગીદાર મેઘાબેન પટેલે વર્ષ ૨૦૦૮માં અમીયાપુર સીમમાં આવેલ સર્વે નંબર ૪૯/૩ વાળી જમીન મૂળ ખેડૂત ખાતેદારો શકરીબેન ગલાબજી ઠાકોર, કેશીબેન ગલાજી ઠાકોર,કાળીબેન હવજીજી ઠાકોર,ખોડાજી ગલાબજી ઠાકોર,હંસાબેન ગલાબજી ઠાકોર, લીલાબેન હવજીજી ઠાકોર, પ્રહલાદજી વિહાજી ઠાકોર, લસીબેન વિહાજી ઠાકોર, ધુળીબેન વીહાજી ઠાકોર, જીવતબેન (કાંન્તિજી બબાજીની વિધવા), રતીલાલ કાંન્તિજી ઠાકોર, બુધાજી કાંન્તિજી ઠાકોર, વજાજી કાંન્તિજી ઠાકોર પાસેથી વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. આ માટે તેમણે તે સમયે પૂરેપૂરો અવેજ ચૂકવીને રજિસ્ટર્ડ દસ્તાવેજ કરાવ્યો હતો અને જમીનનો કબજો પણ મેળવ્યો હતો. રેવન્યુ રેકોર્ડમાં નામ દાખલ કરાવવાની પ્રક્રિયા બાકી હતી. જે તકનો લાભ ઉઠાવીને આ ખેડૂતોએ મહિલાની જાણ બહાર મોટેરા ખાતે રહેતા દેવેન્દ્ર પ્રવિણચંદ્ર પટેલ જ્યોત્સનાબેન પ્રવીણચંદ્ર પટેલ અને પ્રદિપકુમાર લુધ્રામલ દેવાણી રહે કુંજાડ દસકોઈને વેચી દીધી હતી. જે સંદર્ભે કોર્ટમાં ફરિયાદ કરતા આ આરોપીઓએ ખોટો સર્ચ રિપોર્ટ પણ રજૂ કર્યો હતો અને વર્ષ ૨૦૦૮માં થયેલો દસ્તાવેજ છુપાવ્યો હતો ત્યારે આ મામલે હાલ અડાલજ પોલીસ દ્વારા કુલ ૧૬ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.