5 વર્ષથી ખેતરમાં વરસાદી પાણી ભરાતાં ખેડૂતો ખેતી છોડવા મજબૂર

- સાયલા શહેરના સીમ વિસ્તારમાં
- 2021 મા મામલતદારે ટીડીઓ, સિંચાઇ વિભાગને સમસ્યા ઉકેલવા હુકમ કર્યો પણ અધિકારીઓની બેદરકારીથી સમસ્યા ઠેરની ઠેર
સાયલા : સાયલા તાલુકના સીમ વિસ્તારમાં પાંચ વર્ષથી ખેતરમાં વરસાદી પાણી ભરાતાં ખેડૂતો ખેતી છોડવા મજબૂર બન્યા છે. ૨૦૨૧મા મામલતદારે ટીડીઓ, સિંચાઇ વિભાગને સમસ્યા ઉકેલવા હુકમ કર્યો પણ અધિકારીઓની બેદરકારીથી પાંચ વર્ષથી સમસ્યા અધ્ધરતાલ રહેતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સમસ્યાનો તાકિદે ઉકેલ લાવવા ખેડૂતો મામલતદાર કચેરીએ રજૂઆત કરી હતી.
સાયલાના સીમ વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા ખેડૂતો મામલતદાર કચેરીએ દોડી આવ્યા હતા. સાયલા ખાતે આવેલુ રાતડકું તળાવમાં પાણી નિકાલ નળિયા જવાના માર્ગે થાય છે જે અન્ય ખેડૂતો દ્વારા પાણીનો નિકાલ બંધ કરાતા ૩૫ એકર વાવેતરની જમીન પર પાણી ભરાતા અરજદારો દ્વારા અગાઉ ઉચ્ચ કક્ષા સુધી આ બાબતની રજૂઆત છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવી રહી છે. અરજદારની રજૂઆતને લઈ યોગ્ય નિકાલ માટે સાયલા મામલતદાર દ્વારા હુકમ પણ કરી દેવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૨૧માં સાયલા મામલતદાર દ્વારા સાયલાના તાલુકા વિકાસ અધિકારી તેમજ સિંચાઈ વિભાગને આ પ્રશ્ન બાબતે ટેકનિકલ સર્વે કરાવી પાકને નુકસાન ન થાય તે રીતે પાણીના યોગ્ય નિકાલ કરવા હુકમ કર્યો હતો છતાં આજ દિવસ સુધી કોઈ યોગ્ય નિકાલ થયો નથી. સુરેશભાઈ સોનગરા, જયેશભાઈ સોનગરા, મનસુખભાઈ પટેલ, કનૈયાલાલ પટેલ સહિતના ખેડૂતો પાણી નિકાલ માટેની રજૂઆત માટે મામલતદાર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે આ પાણીનો યોગ્ય નિકાલ કરવા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. પાંચ-પાંચ વર્ષથી રજૂઆત કરવા છતાં તંત્ર ખેડૂતો સામે ધ્યાન આપતી નથી તેમજ પાણીના યોગ્ય નિકાલ માટેના હુકમો થવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેના પગલે ખેડૂતો ખેતી છોડવા મજબૂર બન્યા છે.









