Gujarat

ખેડૂતોની માઠીઃપાકના ફટકા બાદ હવે વળતરના ફોર્મ ભરવામાં ડખા,લાંબી કતારો અને સર્વર ડાઉન

By GS TEAM
17 Nov 20252 mins read
ખેડૂતોની માઠીઃપાકના ફટકા  બાદ હવે વળતરના ફોર્મ ભરવામાં ડખા,લાંબી કતારો અને સર્વર ડાઉન

વડોદરાઃ ખેડૂતો માટે એક પછી એક તકલીફોનો સામનો કરવાનો વખત આવી રહ્યો છે.હવે પાકના વળતર માટે જટિલ પ્રક્રિયામાં કલાકો સુધી અટવાયેલા રહેવું પડતું હોવાથી સરકાર તેમની સમસ્યાઓનો ઉકેલ લાવે તેવી માગ કરવામાં આવી રહી છે.

કમોસમી વરસાદને કારણે ખેડૂતોને માર પડતાં સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે.જેમાં ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા વડોદરા જિલ્લાના ૧.૨૪ લાખ જેટલા ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.જ્યારે,  ૩૩ ટકાથી ઓછું નુકસાન થયું હોય તેવા ખેડૂતો પણ વળતર માટે માગણી કરી રહ્યા છે.

પાકના વળતર માટેનો સર્વે પુરો થયા બાદ હવે ખેડૂતોને નુકસાની માટેના ઓનલાઇન ફોર્મ ભરવા માટે કહેવાયું છે.જેમાં ૭/૧૨ અને ૮-અ જેવા પુરાવા મુકવા ફરજિયાત છે.આ નકલો લેવા માટે વડોદરા જિલ્લાના સાવલી,કરજણ સહિતના તાલુકાઓમાં ખેડૂતોની લાંબી કતારો લાગી રહી છે અને નવા પાકની તૈયારીના સમયે જ તેમને કલાકો સુધી અટવાયેલા રહેવું પડે છે.

નકલો મેળવવામાં તેમજ ગ્રામ પંચાયતોમાં જઇ ઓનલાઇન ફોર્મ ભરવામાં પણ સર્વરનો ઇસ્યુ નડી રહ્યો છે.એક ફોર્મ ભરવામાં આશરે ૧૦ મિનિટ જેટલો સમય જતો હોય છે.પરંતુ ફોર્મ ભરાય તે જ વખતે સર્વર ડાઉન થાય તો ફરી પ્રક્રિયા કરવી પડે  છે.જેથી ખેડૂતો દ્વારા આ પ્રક્રિયા સરળ બને અને સર્વરનો ઇસ્યુનો કોઇ રસ્તો કાઢવા માટે સરકારને અપીલ કરવામાં આવી છે.

પાકના ખર્ચ જેટલું વળતર મળી રહે તે જરૃરી

સાવલી કમલપુરાના ખેડૂત પ્રદીપ ભાઇનું કહેવું છે કે,સરકારે રાહત આપી છે તે આવકાર્ય  છે.પણ આ રાહત ખર્ચના પ્રમાણમાં  ઓછી હોય છે.સોયાબીન જેવા પાકમાં ખેડૂતોને ખર્ચની અડધી રકમ પણ ના મળે તેવી સ્થિતિ છે.જેથી સરકારે ખેડૂતોને પાક માટે કરેલો ખર્ચ મળી રહે તેવી રીતે રાહત ચૂકવવી જોઇએ.

પાક નિષ્ફળ જવાથી વ્યાજના ચક્કરમાં ફસાતા ખેડૂતો

પ્રાપ્ત વિગતો મુજબ,ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ખેડૂતો ખેતી માટે વ્યાજે નાણાં લેતા હોય છે.પાક સારો થાય તો વ્યાજ સહિત રકમ ચૂકવી દેતા હોય છે.પરંતુ પાક નિષ્ફળ જાય તો વ્યાજના બોજ તળે દબાતા હોય છે.વળી નવો પાક લેવા માટે રકમની જરૃર પડતી હોય છે જેથી તેઓ વ્યાજના વિષચક્રમાં સતત ફસાતા જાય છે.