કપાસ સહિતના પાકોને નુકશાન પહોંચતા ખેડુતોની હાલત કફોડી
- દસાડા તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદને પગલે ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળતા હાલાકી
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયો છે જેમાં દસાડા તાલુકામાં સૌથી વધુ ૩૦ કલાકમાં ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાતા ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળતા મોટાપાયે નુકશાની ભોગવવાનો વારો આવતા ખેડુતોની હાલત કફોડી બની છે.
આ અંગે મળતી માહિતી મુજબ હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે જીલ્લામાં છેલ્લા બે દિવસથી ધીમીધારેથી લઈ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં દસાડા તાલુકામં ૩૦ કલાકમાં અંદાજે ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાતા ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળતા કપાસ સહિતના પાકોને મોટાપાયે નુકશાની જવાની ભીતી સેવાઈ રહી છે. એક તરફ ખેડુતોને અગાઉ થયેલ પાક નુકશાનીનું પુરતું વળતર ચુકવવામાં આવ્યું નથી ત્યારે બીજી બાજુ ફરી જાણે કુદરત રૂઠી હોય તેમ ભારે વરસાદને કારણે ખેડુતોના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે. ત્યારે સરકાર દ્વારા ખેડુતોને નુકશાની અંગે વળતર ચુકવવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.