Get The App

ખેડૂતના દોઢ લાખ રોકડા, 46 તોલા સોનાના દાગીનાની ચોરી

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
ખેડૂતના દોઢ લાખ રોકડા, 46 તોલા સોનાના દાગીનાની ચોરી 1 - image

પોરબંદર નજીકના શીશલી ગામની ટીંબા સીમમાં ઘરફોડી

ખેડૂત પરિવાર ખેતરમાં ખેતીકામ માટે ગયો ને ધોળા દિવસે તસ્કરો દ્વારા હાથફેરો : બગવદર પોલીસે તપાસ હાથ ધરી

પોરબંદર: પોરબંદર નજીકના શીશલી ગામની ટીંબા સીમમાં ખેડૂતના બંધ મકાનના ધોળે દિવસે તાળા તોડી  છેતાલીસ તોલા સોનાના દાગીના અને દોઢ લાખ રૂપિયાની રોકડ સહિત ૨૧.૬૫ લાખનો મુદ્દામાલની ચોરી થતાં ફરિયાદ દાખલ થઈ છે. બગવદર પોલીસ બનાવના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે.

શીશલી ગામની ટીંબા સીમ વિસ્તારમાં રહેતા ભૂપતભાઈ ઓડેદરા તથા તેમના પત્ની લાખીબેન તથા પુત્ર તેમની વાડીથી આશરે દોઢેક કિમી દૂર કંડોર સીમ વિસ્તારમાં આવેલા તેમના બીજા ખેતરમાં સવારે કામ કરવા ગયા હતાં. ત્યાંથી બપોરે પરત ફર્યા બાદ જમી  અને ત્રણેય જણાએ ખેતરે જઈ ચણાના બિયારણમાં દવા ભેળવી હતી. ત્યારબાદ પતિ તથા પુત્ર ચણા વાવવા કંડોરવાળા ખેતરે ગયા હતાં અને લાખીબેન તેના મકાનમાં ગયા ત્યારે દરવાજાનું તાળુ તૂટેલું જોવા મળ્યું હતું.

લાખીબેને રૂમમાં જઈને જોતા લોખંડના કબાટ પણ ખુલ્લા હતા અને કબાટના લોકરને કોઈ સાધન વડે ખોલવામાં આવ્યું હોવાનું જણાયું હતું. તપાસ કરતાં અંદર રાખેલી લાખ રૂપિયાની રોકડ ચોરાઈ ગઈ હતી. તથા દસ તોલાના સોનાના બિસ્કીટ સહિત અલગ અલગ બોકસમાં રાખેલા સોનાના સવા છેતાલીસ તોલાના દાગીના પણ ચોરાઈ ગયા હતાં.

મહિલાએ તાત્કાલિક તેને પતિ અને પુત્રને જાણ કરતા તેઓ આવી ગયા અને પોલીસને જાણ કરવામાં આવી હોવાથી બગવદર પોલીસમથકનો કાફલો પણ આવી પહોંચ્યો હતો. સવારે સાડાદસથી એક વાગ્યા દરમિયાન થયેલ ચોરીના આ બનાવમાં દોઢ લાખની રોકડ અને ૨૦ લાખ ૧૫ હજારના સોનાના દાગીના સહિત કુલ રૂા. ૨૧.૬૫ લાખની ચોરી થયાની ફરિયાદ દાખલ થઈ છે.