Gujarat

ખેડૂતોની હાલાકી વધી, ટેકાના ભાવે ખરીદી ઘટાડયા બાદ હવે જનરેટર માટે ડીઝલ લઇ જવા પર પ્રતિબંધ

By GS TEAM
13 Jun 20261 min read
ખેડૂતોની હાલાકી વધી,  ટેકાના ભાવે ખરીદી ઘટાડયા બાદ હવે જનરેટર માટે ડીઝલ લઇ જવા પર પ્રતિબંધ

વડોદરાઃ ચોમાસાના આગમન ટાંણે ખેડૂતો માટે એક પછી એક મુશ્કેલી ઉભી થઇ રહી છે.હવે સરકારે પેટ્રોલપંપ પરથી ખેડૂતોને જનરેટર માટે અપાતું ડીઝલ કોઇ સાધનમાં લઇ જવા પર પ્રતિબંધ ફરમાવતાં ખેડૂતોમાં રોષની લાગણી વ્યાપી છે.

ચોમાસું માથે આવ્યું છે અને ખેડૂતો વાવણી માટે તૈયારી કરી રહ્યા છે,ત્યારે તેમને ખાતર મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.જિલ્લાના અનેક ગામોમાં ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઉભા રહેતા હોવા છતાં તેમને જરૃર હોય તેનાથી અડધું ખાતર જ મળી રહ્યું છે.

આવી જ રીતે ખેતરોમાં જનરેટર તેમજ પંપ માટે ડીઝલની જરૃર હોય છે.પેટ્રોલ પંપ પરથી કારબા,બોટલ કે અન્ય સાધનોમાં પેટ્રોલ લઇ જવા પર પ્રતિબંધ છે.પરંતુ ખેડૂતો માટે ડીઝલ મળી રહે તેવી અત્યાર સુધી વ્યવસ્થા હતી.પરંતુ હવે આ વ્યવસ્થા પણ  બંધ કરી દેવાઇ છે અને પેટ્રોલ  પંપોને સાધનમાં ડીઝલ નહિ આપવા આદેશ કરાતાં ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થઇ છે.ઓઇલ કંપનીઓ તરફથી પંપના સંચાલકોને સીસીટીવી ફૂટેજ તપાસી પગલાં લેવાની પણ ચીમકી આપવામાં આવી છે.

નોંધનીય છે કે,ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઇની ખરીદીમાં સરકારે ખરીદીનો ક્વોટા ઘટાડતાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે ખેડૂતો દ્વારા ધરણાં કરવામાં આવી રહ્યા છે અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.