જુનાગઢ માર્કેટ યાર્ડમાં સિઝનના પ્રારંભે સોયાબીનના ભાવ નીચા રહેતા ખેડૂતો ચિંતિત
માર્કેટિંગ યાર્ડમાં 1007 ક્વિન્ટલ નવા સોયાબીનની આવક : જિલ્લામાં મગફળી બાદ સોયાબીનનું 58783 હેક્ટરમાં વાવેતર, મણના રૂા. 911 તળિયાના ભાવ મળ્યા
જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો સોયાબીનના વાવેતર તરફ ઢળયા છે. માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની નવી આવક પણ શરૂ થઈ છે. આજે એક જ દિવસમાં યાર્ડમાં 1007 ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી. નવી સિઝનના પ્રારંભે ખેડૂતોને મણના રૂા.911 ભાવ મળતા ખેડૂતો ચિંતિત થયા છે.
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે વર્ષથી ખેડૂતો મગફળી, કપાસ બાદ સોયાબીનના વાવેતર તરફ વળ્યા છે. જૂનાગઢ જિલ્લામાં નવ તાલુકાઓમાં અંદાજિત 58783 હેક્ટરમાં વાવેતર થયું છે. મબલખ ઉત્પાદન થતા સોયાબીનની આવકમાં વધારો પણ થયો છે. આજે માર્કેટિંગ યાર્ડમાં 1007 ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી. હરાજીમાં ખેડૂતોને પ્રતિ 20 કિલોના રૂા. 911 ભાવ મળ્યા હતા.
સોયાબીનના પાકમાં બગાડ ઓછો થતો હોય છે અને ભેલાણનો કોઈ પ્રશ્ન નડતો ન હોવાને કારણે જિલ્લાના ખેડૂતો સોયાબીનના પાક વાવેતર તરફ વળ્યા છે. ખેડૂતો પાક ઉત્પાદન સમયે ઊંચા ભાવની આશા સાથે સોયાબીનની ખેતી કરી હતી પરંતુ નવી સિઝનના પ્રારંભે સોયાબીનના બજાર ભાવ તળિયે જોવા મળતા ખેડૂતો ચિંતિત થયા છે.
વિસાવદરમાં સોયાબીનનું સૌથી વધુ વાવેતર
જૂનાગઢ જિલ્લામાં સોયાબીન 58783 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં વિસાવદરમાં સૌથી 19000, ત્યારબાદ જૂનાગઢ ગ્રામ્યમાં 13465, મેંદરડા 9200, વંથલી 4830, ભેસાણ 4610, માણાવદર 4530, માળીયાહાટીના 1950, કેશોદ 538, જૂનાગઢ શહેર 350 સૌથી ઓછું માંગરોળમાં 310 હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું છે.