એક તરફ માવઠાંની આફત અને બીજી બાજુ ડુંગળીના ગગડતા ભાવથી ખેડૂતો પરેશાન
- મહુવા યાર્ડમાં ડુંગળીની દોઢ લાખ ગુણીનો ભરાવો થતા આવક પર રોક
- શુક્રવારે ડુંગળી 60 થી 100 રૂપિયે મણ વેચાઇ હતી તો શનિવારે એકાએક 20 રૂપિયા થઇ જતા ખેડૂતો ચિંતામાં
દેશ તેમજ વિદેશ સુધી મોટી માત્રામાં ડુંગળી સપ્લાય કરવા મહુવા એ ડુંગળીનું પીઠું ગણવામાં આવે છે. આ વર્ષે ખેડૂતોએ પોતાની તમામ જમીનો પર ડુંગળીનું મબલખ વાવેતર કર્યું હતું. જ્યારે ગત વર્ષે ૧૫ થી ૨૦ રૂપિયે કિલો ડુંગળી વેચાણી હતી જે તાજેતરમાં ગણતરીના દિવસોમાં એક રૂપિયે કિલો અને ૨૦ રૂપિયે મણ વેચાતા ભારે ગોકીરો મચી જવા પામ્યો હતો. તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પડયા પર પાટું મારવા જેવો ઘાટ સર્જાવા પામ્યો હતો. આમ તા.૧૬ને શુક્રવારે ડુંગળી ૬૦થી ૧૦૦ રૂપિયે મણ વેચાઇ હતી તે શનિવારે એકાએક ૨૦ રૂપિયા થઇ ગયા હતા અને તેમ છતાં હજારો મણ ડુંગળી વેચાણી હતી. જ્યારે ખેડૂત આગેવાન દ્વારા પણ આ અંગે યાર્ડમાં સભા યોજી ખેડૂતોને થતા અન્યાય સામે સવાલો ઉઠાવ્યા હતાં. એક તરફ સફેદ ડુંગળી ખરીદનાર મોટો વર્ગ ડીહાઇડ્રેશન પ્લાન્ટવાળા હોય છે. જે મહુવા પંથકમાં અંદાજીત ૧૭૦ જેટલા છે. પરંતુ આ વેપારીઓ દ્વારા પુરતા ભાવ જ નહીં અપાતા નુકસાનીમાં જેટલો ઘટાડો થાય તે હેતુ સાથે હાલ ખેડૂતો ડુંગળી વેચવા મજબુર બન્યા છે. ગઇકાલે પોણા બે લાખ થેલીની આવક નોંધાઇ છે અને હજુ દોઢ લાખ થેલી વેચાણ વગર પડી છે ત્યારે યાર્ડ દ્વારા સફેદ કાંદા લાવવા પર રોક લગાવાઇ છે. તો આગામી દિવસોમાં માવઠાની આગાહી આવેલ છે તેવા સંજોગોમાં જે ખેડૂતો પાસે મેડાની વ્યવસ્થા ન હોય તેની અવદશા બેઠી છે. વેપારી અને ડીહાઇડ્રેશનવાળાની પણ હાલની આવી સ્થિતિનો લાભ લઇ મફતના ભાવે ખરીદી કરવાનું ષડયંત્ર હોવાનું ખેડૂત આગેવાન ભરતસિંહ તરેડીએ જણાવ્યું છે. અન્યથા પોસાય તેવા ભાવે માવઠા પહેલા ખરીદી થાય તેવી પણ વ્યાપક માંગણી ઉઠવા પામી છે.