હાથબના વાડી વિસ્તારમાં અનિયમિત વીજળીના પ્રશ્ને ખેડૂતો ત્રસ્ત

- ગુંદી, હોઈદડ, હાથબ અને ખડસલિયાના ખેડૂતોની રજૂઆત
- કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી પ્રશ્નનું નિરાકરણ નહી આવે તો આંદોલનની ચિમકી
ઘોઘા સબ ડિવિઝન હેઠળના હાથબ વાડી વિસ્તારમાં આવેલા ખેતીવાડી કનેક્શનોમાં વીજ પ્રશ્ને ગુંદી, હોઈદડ, હાથબ અને ખડસલિયાના ખેડૂતોએ આજે પીજીવીસીએલની કચેરીએ રૂબરૂ આવીને કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી હતી. ઉનાળાની ઋતુના પ્રારંભથી જ આ વિસ્તારના ગામોમાં અનિયમિત વીજળીના લીધે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. સ્થાનિકો દ્વારા ફોલ્ટ સેન્ટરમાં ફરિયાદ કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવતું નથી. નિયમ પ્રમાણે સવારે નવથી સાંજે ૫ કલાક સુધી થ્રી ફેઈઝ અને બાકીના ૧૬ કલાક સિંગલ ફેઝ વીજળી આપવાની હોય છે પરંતુ તે અનુસાર આ વિસ્તારના ગ્રાહકોને ક્યારેય વીજળી મળી નથી. જો આ પ્રશ્ને નિરાકરણ નહી આવે તો આ બાબતે હજુ આગામી દિવસોમાં પીજીવીસીએલને ખેડૂતો રજૂઆત કરશે અને તેમ છતાં પણ જો નિરાકરણ નહી આવે તો આ વિસ્તારના ગામોના ખેડૂતો અને પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓને અને જનપ્રતિનિધિઓને માહિતગાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આંદોલાત્મક પગલાં ભરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આ અંગે સીટી-૨ કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, આ વિસ્તારનું ફીડર ખુબ મોટું છે. ઉપરાંત વરસાદી પરિસ્થિતિના કારણે આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. આ વિસ્તારમાં પુરતો વીજ પુરવઠો મળી રહે તેવા પ્રયાસ અમારી ટીમ કરી રહી છે.









