ડોળીયા ફીડરમાં 8 દિવસથી પાવર બંધ રહેતા ખેડૂતો પરેશાન

સાયલા : સાયલા તાલુકાના સીમ વિસ્તારમાં વીજ પુરવઠો છેલ્લા ૮ દિવસથી બંધ રહેતા ખેડૂતો પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા.
ડોળિયા એજી ફીડરમાં આવતા સીમ વિસ્તારમાં છેલ્લા ૮ દિવસથી વીજ પુરવઠો બંધ રહેતા ખેડૂતોએ અનેક વખત વીજ તંત્રને રજૂઆત કરી હતી. તેમ છતાં વીજ પુરવઠો શરૂ નહીં થતાં અંતે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ પીજીવીસીએલ કચેરીએ રજૂઆત માટે દોડી આવ્યા હતા. ડોળીયા ફીડર નીચે આવતા અંદાજે એકસો જેટલા ખેડૂતોનો કપાસ, તલ, મગફળી સહિતના પાકોને નુક્સાન જવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી બાજુ વાડી વિસ્તારમાં રહેતા પરિવાર પણ હાલ વીજ પાવર વગર મોટી સમસ્યા ઊભી થઈ છે.
ડોળિયા એજી ફીડરમાં આવતા સાયલા, જૂના જસાપર, થોરિયાળી ગામના કનેક્શન ધરાવતા ખેડૂતો વીજ પુરવઠો બંધ રહેતો હાલાકી ભોગવી રહ્યા છે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણનું વાવેતર કરેલું હોય જેમાં વીજ પુરવઠા ની ખાસી જરૂર હોય તેવા સમયે વીજ પુરવઠો બંધ રહેતા ખેડૂતો પરેશાન બન્યા છે. મનુભાઈ સિંધવ, વિક્રમભાઈ ડોડીયા, સહિતના ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી કોઈ પણ ખેડૂતના બિલ ચેક કરી બિલ આપવામાં આવતા નથી. સીધા જ યુનિટ દર્શાવી દેવામાં આવે છે. ખેડૂતોએ તત્કાલીક ડોળિયા એજી ફીડર ચાલુ કરવા માંગ કરી છે.
ખેડૂતોની રજૂઆત અને આક્ષેપને પગલે એમ.એમ.મીર જુનીયર એન્જીનિયરએ જણાવ્યું કે પ્રમાણે ખેડૂતોની રજૂઆતને ધ્યાનમાં લઇ તાત્કાલિક તેમનો વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે. તેમજ તેમના જે કંઈ અન્ય પ્રશ્નો છે તેના પર સર્વે કરી કામગીરી કરવામાં આવશે.









