Gujarat

ઉઘરોજ-રાણીપુરા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ઃ આવેદન આપ્યું

By GS TEAM
6 Mar 20261 min read
ઉઘરોજ-રાણીપુરા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ઃ આવેદન આપ્યું

૧૫ દિવસમાં પાણી છોડવામાં નહીં આવે તો  આંદોલનની ચીમકી

ગાંડા બાવળોના કારણે છેવાડાના ખેતરોમાં પાણી નહીં પહોંચતું હોવાની રાવ ઃ રવિ પાક બચાવા કેનાલમાં પાણી છોડવા માંગ

વિરમગામમાંડલના ઉઘરોજ-રાણીપુરા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતોએ રોષભેર વિરમગામ નાયબ કલેક્ટરને આવેદન આપ્યું હતું. આ તકે ખેડૂતોએ ગાંડા બાવળોના કારણે છેવાડાના ખેતરોમાં પાણી નહીં પહોંચતું હોવાની રાવ કરી તાત્કાલિક રવિ પાક બચાવા કેનાલમાં પાણી છોડવા માંગ કરી છે.

માંડલ તાલુકાના ઉઘરોજ અને રાણીપુરા ગામની નર્મદા માઈનોર કેનાલ બની ત્યારથી જ પાણી ન આવતા ખેડૂતોમાં ભારે રોષ છે. ખેડૂત અધિકાર સમિતિ દ્વારા વિરમગામ નાયબ કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, કેનાલના નબળા સમારકામ અને ગાંડા બાવળોને કારણે સિંચાઈનું પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચતું નથી. હાલ રવિ પાકને પાણીની સખત જરૃર છે, પરંતુ વહીવટી તંત્રની ઉદાસીનતાને કારણે તૈયાર પાક સુકાઈ રહ્યો છે.

ખેડૂતોએ આક્ષેપ કર્યોે છે કે રજૂઆત કરવા છતાં અધિકારીઓ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવે છે. જો આગામી ૧૫ દિવસમાં કેનાલનું રિપેરિંગ કરી પાણી છોડવામાં નહીં આવે, તો વિરમગામ નર્મદા વિભાગના એન્જિનિયર વિરુદ્ધ અહિંસક આંદોલન અને ન્યાય સભા યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ મામલે તટસ્થ તપાસ કરી કાનૂની કાર્યવાહી કરવાની માંગણી પ્રબળ બની છે.