પાક નુકસાની સર્વે મામલે ગુજરાત સરકારનું જૂઠ્ઠાણું! આદેશ અને પરિપત્રમાં વિસંગતતાના કારણે ખેડૂત ભડક્યા

Crop Damage Survey Orders In Gujarat: ગુજરાતમાં માવઠાએ ખેડૂતોને આર્થિક રીતે તબાહ કર્યાં છે. 10 લાખથી વધુ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોચ્યું છે. પાક લણવાના સમયે જ કમોસમી વરસાદે ઊભા પાકનો સફાયો કર્યો છે. આ સંજોગોમાં ખેડૂતો પાસે કશું જ બચ્યુ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ, આ દુ:ખની ઘડીમાં સરકારે ખેડૂતોને ઉઠા ભણાવવા પ્રયાસ કર્યો છે કારણ કે, કૃષિમંત્રીએ મોટા ઉપાડે જાહેરાત કરી કે, 7 દિવસમાં જ પાક નુકસાનીનો સર્વે થઈ જશે, જ્યારે કૃષિ વિભાગે પરિપત્ર થકી સૂચના આપી હતી કે, 20 દિવસમાં નુકસાનીનો સર્વે પૂર્ણ કરો. હવે સાચું કોનું માનવું એ સવાલ સર્જાયો છે.
ખેડૂતો હવે કૃષિ પેકેજના સહાય પર મીંટ માંડીને બેઠાં
ગુજરાતમાં કમોસમી વરસાદે તબાહી મચાવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં માવઠાએ કહેર મચાવ્યો છે. હજુ તો ભારે વરસાદ વરસી શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદને લીધે હજારો લાખો હેક્ટરમાં ખેતીને નુકસાન પહોચ્યું છે, ત્યારે ખેડૂતો હવે કૃષિ પેકેજના સહાય પર મીંટ માંડીને બેઠાં છે. પણ જ્યાં સુધી પાક નુકસાનીનો સર્વે ન થાય ત્યાં સુધી ખેડૂતોને કેટલું વળતર આપવું તે નક્કી થઈ શકે નહીં. હવે કૃષિમંત્રીએ તો સાત દિવસમાં નુકસાનીનો સર્વે થઇ જશે તેવી જાહેરાત કરી છે. પરંતુ કૃષિ વિભાગે પરિપત્ર કરી ખેતીવાડી અધિકારીઓને સૂચના આપી છે કે, સેટેલાઈટ ઈમેજથી સર્વે કરી ખેતી નિયામકોએ 12 દિવસમાં જિલ્લા વહીવટી તંત્રને નુકસાનીની માહિતી મોકલવાની રહેશે. આ ઉપરાંત ડિજિટલ સર્વે અને સેટેલાઈટ ઈમેજ સરખાવીને સર્વે નંબર વાઈજ નુકસાનીની વિગતો સાત દિવસમાં જિલ્લા કલેક્ટરોને મોકલવી.
આ પણ વાંચો: ગુજરાતમાં કમોસમી વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો: ઓકટોબરમાં જ 3.30 ઈંચ વરસાદ
ખેતી નિયામકોને એ પણ સૂચના અપાઈ છે કે,15 દિવસમાં સર્વે પૂર્ણ કરી સહાય માટે 15 દિવસમાં સરકારમાં દરખાસ્ત રજૂ કરવી. આ સંજોગોમાં સરકારની મોખિક અને પરિપત્રને લઈને વિસંગતતા સર્જાઈ છે જેથી ખેડૂતો બરોબરના ભડક્યાં છે. આ પરથી એક વાત પ્રસ્થાપિત થાય છે કે, પાક નુકસાનીનું વળતર મેળવવા ખેડૂતોને હજુ રાહ જોવી પડશે. બીજી તરફ કિસાન કોંગ્રેસે આક્ષેપ કર્યાં છે કે, બે મોઢાની વાતો કરી ખુદ સરકાર જ ખેડૂતોની મજાક કરી રહી છે. એવો પણ સવાલ ઊઠાવાયો છે કે, ખુદ ભાજપના ધારાસભ્ય, સાંસદ જ નહીં, કેબિનેટ મંત્રીએ રૂબરૂ જઈને ખેત નુકસાનનુ સર્વે કર્યું એ કેમ માન્ય રખાતુ નથી. એવી માંગ ઉઠી છેકે, 5થી માંડીને 15 ઇંચ વરસાદ છે, ત્યાં સર્વે કરવાની ક્યાં જરૂર છે. જો નુકસાની ન દર્શાવાય મગફળીને ટેકાના ભાવે ખરીદી કરાય તો ખેડૂતોને મદદ થઈ શકે તેમ છે. છેલ્લી સાતેક સિઝનમાં ખેડૂતો કુદરતી મારનો ભોગ બન્યા છે તો પાક ધિરાણ માફ કરવા માંગ ઊઠી છે.
કૃષિ વિભાગના પરિપત્રમાં શું છે?
•સેટેલાઈટ ઈમેજથી સર્વે કરી 12 દિવસમાં જિલ્લા વહીવટી તંત્રને માહિતી મોકલવી.
•ડિજિટલ સર્વે અને સેટેલાઈટ ઈમેજ સરખાવી 7 દિવસમાં જિલ્લા કલેક્ટરોને વિગતો મોકલવી.
•ખેતી નિયામકોનએ 15 દિવસમાં સર્વે પૂર્ણ કરી સહાય માટે સરકારમાં દરખાસ્ત રજૂ કરવી.
•વીસીઈ-સર્વેયરની મદદથી નુકસાનીનું સર્વે કરવું.
•જો વીસીઈ-સર્વેયર ન મળે તે ધો.10 પાસ યુવકોની મદદ લઈ નુકસાનીની વિગતો મેળવવી.
•પાક નુકસાનીનો સર્વે 20 દિવસમાં પૂર્ણ કરવાનો રહેશે.
મગફળીના દાણા ડેમેજ હશે તો જ નુકસાની ગણાશે
સર્વેમાં મગફળીમાં નુકસાની ન દેખાય તો ટેકાના ભાવે ખરીદવી જોઇએ તેવી માંગ કરતાં ગુજરાત કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ એવો આક્ષેપ કર્યો છે કે, ગ્રામસેવકોને એવી મૌખિક સૂચના અપાઈ છે કે, મગફળીના દાણા ડેમેજ હશે તો જ નુકસાની ગણાશે. ખેડૂતોનુ ઓછું નુકસાન થયું છે તેવું દેખાડવા સરકારે કડક શરતો લાગુ કરી છે.


