પાટડી ખરીદ વેચાણ સંઘે નેનો યુરિયાની બોટલ લેવાની ફરજ પાડતા ખેડૂતોમાં રોષ
ખેડૂતે નેનો યુરિયા બોટલ લેવાની ના પાડતા બેસાડી રાખ્યા
નેનો યુરિયા લિક્વિડનું વેચાણ બંધ કરતા ઉપરથી ખાતરનો જથ્થો અટકાવી દેવામાં આવે છે : મેનેજર
સુરેન્દ્રનગર: પાટડીના બજાણા રોડ પર આવેલ સહકારી ખરીદ વેચાણ સંઘ ખાતે દસાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો ખાતર ખરીદવા માટે આવતા હોય છે ત્યારે નેનો યુરિયા લિક્વિડ બોટલ ફરજિયાત પણે લેવાનો નિયમ બનાવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.
ખેડૂત હિતરરક્ષક સમિતિ પાટડીના સંયોજક અશોક પટેલ ૪૮ ખાતરની થેલી લેવા માટે પાટડી સહકારી સંઘ ખાતે પહોંચ્યા હતા ત્યારે ફરજિયાત પણે નેનો યુરીયા લિક્વિડ બોટલ લેવી પડશે તેવી ફરજ પાડતા ખેડૂત અશોક પટેલ દ્વારા મનાઈ કરવામાં આવતા તેમને ખાતર આપવામાં આવ્યું ન હતું. જેના કારણે બપોરથી સાંજ સુધી ખેડૂત ત્યાં જ બેસી રહ્યા હતા. ઈજાગ્રસ્ત હોવા છતાં કલાકો સુધી ખેડૂતને બેસવુ પડયુ હતુ. આ બાબતે ખેડૂત અશોક પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક તરફ ગુજરાત સરકારના મંત્રી વિધાનસભામાં કહે છે કે ખેડૂતોને ખાતર લેતા સમયે નેનો યુરિયા લિક્વિડ બોટલ લેવી ફરજીયાત નથી તો બીજી તરફ પાટડી સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા ફરજિયાત નેનો યુરીયા લિક્વિડ બોટલ આપવામાં આવી રહ્યુ છે.
જો નેનો લિક્વિડ બોટલ ના લઈએ તો ખાતર પણ આપતા નથી જેના કારણે ન છૂટકે ખેડૂતો નેનો યુરિયા બોટલ લેવા મજબુર બન્યા છે અને ખિસ્સા પર માર પડી રહ્યો છે. આ બાબતે સહકારી સંઘના મેનેજર વિજયભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અગાઉ આ બાબતે હોબાળો થયો હતો ત્યારે અમે લિક્વિડ બોટલ આપવાનુ બંધ કર્યું ત્યારે ચાર મહિના ઉપરથી ખાતર આવ્યું ન હતું. જો અમે ખેડૂતોને નેનો યુરિયા લિક્વિડ ન આપવી તો અમને ઉપરથી ખાતર મળતું નથી આથી નેનો યુરિયા લિક્વિડ આપવાની ફરજ પડે છે.