કટુડા ગામના ખેડૂતે 40 વિઘામાં અંજીરના 8000 રોપા વાવ્યા, વાર્ષિક 3 કરોડની આવકનો અંદાજ
યુવા ખેડૂત બંધુઓએ નવી કેડી કંડારી - સાહસ કરે તેને સફળતા મળે કહેવત સાચી ઠેરવી
એક રોપામાંથી વર્ષે અંદાજે ૨૦ કિલો ઉત્પાદન મળે, ૮ હજાર રોપામાંથી ૧.૬૦ લાખ કિલો ઉત્પાદનની આશા ઃ હાલ એક કિલો લીલા અંજીરનો બજાર ભાવ રૃ.૨૦૦
સુરેન્દ્રનગર - સાહસ કરે એજ આગળ વધે આ કહેવતને સાચી સાબિત કરી છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કટુડા ગામના યુવાન ખેડૂત મિલન રાવલે. અગાઉ પરંપરાગત પાક - કપાસ, ઘઉં, જીરું વગેરે ખેતી કરતા ખેડૂતે બાગાયતી ખેતી તરફ વળીને લીલા અંજીરનો પાક લેવાનું શરૃ કર્યું છે અને માત્ર ૪૦ વિઘાની જમીનમાં અંદાજે ૩ કરોડની આવક કરવાની શક્યતા ઊભી કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાંં મુખ્યત્વે કપાસનું વાવેતર કરવામાં આવતું હતું પરંતુ ઝાલાવાડના ખેડૂતો હવે ધીરે ધીરે બાગાયત પાકની પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. ત્યારે વઢવાણ તાલુકાના કટુડા ગામના પ્રગતિશીલ અને યુવા ખેડૂત ભાઈઓ મિલનભાઈ અને ચિંતનભાઈ રાવલે લીલા અંજીરની સફળ વાવેતર અને ખેતી કરી અન્ય ખેડુતોને પણ નવી રાહ ચીંધી છે.
મિલનભાઇ રાવલ પણ અગાઉ જીલ્લાના અન્ય ખેડુતોની જેમ કપાસ, જીરુ, ઘઉં સહીતના પાકની પરંપરાગત ખેતી જ કરતા હતાં પરંતુ આ પાકમાં અવારનવાર કમોસમી વરસાદ, રોગ આવવાના કારણે નુકસાન થતાં આથક નુકસાન સહન કરવાનો વારો આવતો હતો. આથી તેઓએ આ પરંપરાગત ખેતીને બદલે કાંઇક નવીન અને આધુનિક ખેતી કરવાનો વિચાર કર્યો. જેમાં તેમણે સૌ પ્રથમ ખેતી ક્ષેત્રમાં ઇઝરાયલના એક તજજ્ઞાની મદદથી તેમની જમીન, આબોહવા અને વરસાદ સહીતની બાબતો અંગે ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ કટુડા ગામ ખાતે આવેલ અંદાજે ૪૦ વીઘા જમીન લીલા અંજીરના પાક માટે અનુકુળ હોવાનું જણાઇ આવતા લીલા અંજીરની ખેતી કરવાની શરૃઆત કરી છે.
જેમાં હાલ ૪૦ વીઘા જમીનમાં લીલા અંજીરના ૦૮ હજાર રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે અને તમામ ૪૦ વીઘા જમીનમાં નેટ હાઉસમાં રોપા ઉછેરવામાં આવ્યા છે જેથી બહારના પ્રતિકુળ વાતાવરણની અસર વાવેતરને ન થાય. તેમજ આ લીલા અંજીરની ખેતી સંપૂર્ણપણે પ્રાકૃતિક પધ્ધતિથી કરવામાં આવી રહી છે એટલે કે કોઇ પણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો પણ ઉપયોગ કરવામાં નથી આવ્યો. આ અંજીરના રોપામાં હાલ પ્રથમ વર્ષથી જ ફળનો ઉતારો આવવાની શરૃઆત થઇ ચુકી છે અને ૦૧ રોપામાંથી વર્ષે અંદાજે ૨૦ કિલો જેટલું લીલા અંજીરનું ઉત્પાદન મળે છે એટલે કે કુલ ઉત્પાદન અંદાજે ૧,૬૦,૦૦૦ કિલો જેટલું થવાની આશા છે. હાલ લીલા અંજીરનો બજાર ભાવ એક કિલોના રૃપિયા ૨૦૦ ની આસપાસ છે. તે મુજબ વર્ષમાં અંદાજે રૃપિયા ૦૩ કરોડથી વધુનું ઉત્પાદન થકી મબલખ કમાણી કરી અન્ય ખેડુતોને પણ નવી રાહ ચીંધી છે. જ્યારે કટુડા ગામે આ લીલા અંજીરની પ્રાકૃતિક ખેતી આસપાસનાં ગામના લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની છે અને અન્ય ખેડુતો પણ લીલા અંજીરની પ્રાકૃતિક ખેતી જોવા અચુક આવે છે અને પોતાની જમીનમાં તેનું વાવેતર કરવા પ્રેરણા લે છે.