જંબુસરના ખેડૂતે વધુ નાણાંની માંગ સાથે ધમકી આપનાર વડોદરાના બે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી
Bharuch News : જંબુસરના ખેડૂતે વ્યાજથી બે લાખની રકમ લીધા બાદ તેની સામે રૂ.5.45 લાખ ચૂકવવા છતાં વધુ રકમની માંગણી સાથે ધાક ધમકી મામલે વડોદરાની મહિલા સહિત બે વ્યાજખોર સામે ફરિયાદના આધારે કાવી પોલીસે નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જંબુસરના કલિયારી ગામ ખાતે રહેતા અલ્પેશ પટેલ ખેતી વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, લીનાબેન અજયભાઈ પટેલ (રહે-એલઆઈજી, માંજલપુર ગામ, વડોદરા ) અને પ્રતાપકુમાર નેત્રાનંદ પાત્રા (રહે-શિવાભી લક્ઝુરીયા, માણેજા ક્રોસિંગ, મકરપુરા, વડોદરા) વ્યાજથી નાણા આપતા હોય લીનાબેન પાસેથી વર્ષ 2015-16માં 5 ટકાના વ્યાજે એક લાખની રકમ લીધી હતી. ત્યારબાદ વર્ષ 2021માં 10 ટકાના વ્યાજે ફરી એક લાખ લીધા હતા. તેમણે સિક્યુરિટી પેટે મારી પાસેથી ત્રણ કોરા ચેક લીધા હતા. જેની સામે ટુકડે ટુકડે કુલ રૂ.5.45 લાખની રકમ ચૂકવી હતી. તેમ છતાં લીનાબેને રૂ. સાડા ચાર લાખની રકમના ચેક રિટર્ન કરાવી ધી નેગોસિબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ત્રણ કેસો કર્યા હતા. જે પૈકી એક કેસ પ્રતાપકુમાર પાત્રાએ કર્યો હતો જેને મેં ક્યારેય મળ્યો નથી. અને વધુ રકમની માંગણી સાથે ઘરેથી ઉઠાવી જવાની તથા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે.