જમીન નવી શરતમાંથી જુનીમાં ફેરવી દેવાના બહાને ખેડૂત સાથે છેતરપિંડી

પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો
કામ કરાવી આપવા માટે રૃપિયા ૨ લાખ પડાવી લીધા બાદ આરોપીએ પોતાના નામે વેચાણ દસ્તાવેજ પણ કરી નાંખ્યો
ગાંધીનગર : જમીન નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાના બહાને છેતરપિંડી કરવા સંબંધે પેથાપુર પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. રાંધેજા ગામમાં જમીન પચાવી પાડવાના ઈરાદે આચરાયેલા કિસ્સામાં અભણ ખેડૂતની અજ્ઞાાનતાનો લાભ લઈ, વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરીને કામ કરાવી આપવા માટે રૃપિયા ૨ લાખ પડાવ્યા બાદ આરોપીઓએ જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરી નાંખ્યો હતો.
રાંધેજા ગામના રહેવાસી ગોકળજી ઉર્ફે ગોફુરજી ઠાકોરે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની વડીલોપાર્જીત સાડા ત્રણ વીઘા જેટલી જમીન ગણોત ધારા મુજબ નવી શરતની હતી. જમીનને જૂની શરતમાં ફેરવવા માટે વર્ષ ૨૦૧૧માં તેમણે પરિચિત ગોવિંદજી શનાજી ઠાકોરનો સંપર્ક કર્યો હતો. ગોવિંદજીએ કલેક્ટર કચેરીમાં કામ કરાવવાના બહાને ખેડૂત પાસેથી રૃપિયા ૨ પડાવ્યા હતા અને વહીવટી સરળતા માટે પાવર ઓફ એટર્ની મેળવી લીધી હતી. વર્ષ ૨૦૨૩માં ફરિયાદીને જાણવા મળ્યું કે તેમની જમીન જૂની શરતમાં ફેરવાઈ ગઈ છે, પરંતુ જ્યારે તેમણે તપાસ કરી ત્યારે આરોપીઓએ ખેડૂતની જાણ બહાર તેમની ખોટી સહીઓ અને અંગૂઠાના નિશાન કરી બનાવટી ડેક્લેરેશન તૈયાર કર્યું હતું. આ ખોટા દસ્તાવેજોના આધારે ગોવિંદજી ઠાકોરે પોતાના નામે જમીનનો વેચાણ દસ્તાવેજ બનાવી લીધો હતો. ત્યારબાદ આરોપી ધ્વ પટેલે કોઈ ખરાઈ કર્યા વગર આ જમીનનો જનરલ પાવર ઓફ એટર્ની દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો. આ મામલે ગોવિંદજી શનાજી ઠાકોર, શાંતિજી ગુલાબજી ઠાકોર અને ધ્વ ધર્મેશભાઇ પટેલ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પેથાપુર પોલીસ દ્વારા ધોરણસરની તપાસ હાથ ધરવામાં આવી છે.








