Get The App

બોરસદના ભાદરણ ગામની 1.75 કરોડની જમીનમાં ખેડૂત સાથે ઠગાઇ

Updated: May 5th, 2025

GS TEAM

Google News
Google News
બોરસદના ભાદરણ ગામની 1.75 કરોડની જમીનમાં ખેડૂત સાથે ઠગાઇ 1 - image


- ભાદરણમાં ઠગાઈ કરનારે અગાઉ એક મહિલા સાથે રૂા. 66.50 લાખની છેતરપિંડી કરી હતી

વડોદરા : ભેજાબાજે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલી જમીનનો દલાલ સાથે મળી સોદો કર્યા બાદ બાનાખત કરાર બદલી નાંખી જમીન પર કબજો કરવાની ધમકી આપી ઠગાઈ કરતા વૃધ્ધ જમીન માલિક ન્યાય મેળવવા પોલીસ અને કોર્ટની શરણે પહોંચ્યા છે.

ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા જયંતીભાઈ ઈશ્વરભાઈ પટેલ (રહે-વાડી ફળિયુ, ભાદરણ, બોરસદ) ભાદરણ ગામ ખાતે સર્વે નંબર ૧૦૧૬ વાળી જમીનની માલિકી ધરાવે છે. તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૪ માં આ જમીન વેચાણ કરવા તેમણે દલાલ નરેન્દ્રભાઈ મકવાણાને કહ્યું હતું. ત્યારબાદ ધવલ જગદીશભાઈ ઉપાધ્યાયે (રહે-જશવંતનગર સોસાયટી કરજણ પીંગલવાળા) દલાલ દિનેશભાઈ રાયપુરા મારફતે રૂા. ૧.૭૫ કરોડમાં જમીન ખરીદવા તૈયારી દર્શાવી હતી. 

અને ધવલ ઉપાધ્યાયે રૂા. ૫૦ હજારની રકમ ચૂકવી બાનાખત કરવા જણાવતા બોરસદ મામલતદાર કચેરી ખાતે બાનાખત કરાર રજિસ્ટર કરાવ્યો હતો. 

જ્યારે બાનાખત કરારની નકલ મળી ત્યારે જાણ થઈ કે બાનાખત તદ્દન જુદો હતો. જયંતીભાઈ અને ધવલ વચ્ચે કોઈ મુલાકાત ન થઈ હોવા છતાં કરારમાં રૂા. ૧૦.૫૦ લાખ ચૂકવ્યા હોવાની ખોટી હકીકત દર્શાવી હતી. અને જમીનની મૂળ કિંમત આરોપીએ રૂા. ૧.૭૫ કરોડના સ્થાને માત્ર રૂા. ૩૧ લાખ દર્શાવી હતી. ધવલ ઉપાધ્યાય તથા દિનેશ રાયપુરાએ વૃદ્ધની ઉંમરનો ગેરલાભ ઉઠાવી વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરી બાનાખતનો કરાર બદલી નાખ્યો હતો. અને જે થાય તે કરી લેજો બાનાખત આધારે અમે જમીનનો કબજો પણ લઈ લઈશું તેવી ધમકી પણ આપી હતી. જેથી આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ક્રાઈમ પોલીસ સ્ટેશન આણંદ ખાતે ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત બાનાખત કરાર રદ્દ કરી સ્ટે ઓર્ડર મેળવવા બોરસદ પ્રિન્સિપાલ સિવિલ જજની કોર્ટ સમક્ષ દાદ માંગી છે. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે, વડોદરા નજીક સમીયાલાની જમીન વેચવાના બહાને મહિલા સાથે પણ ધવલ ઉપાધ્યાયે રૂા. ૬૬.૫૦ લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ અગાઉ તાલુકા પોલીસ મથકે નોંધાયેલી છે.

Tags :