ડભોઈ,તા.૨૫ વડોદરા જિલ્લાના કાયાવરોહણ ગામે એક ખેડૂતને ડિજિટલ અરેસ્ટમાં ફસાવી ૪૦ કરોડનું ફ્રોડ કર્યું છે તેમ જણાવી ખેડૂતને ધમકી આપતા છેલ્લે ખેડૂતે આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના ડભોઇ પોલીસ મથકે નોંધાતા આજે ડભોઇ પોલીસે આ ડિજિટલ એરેસ્ટના બે ગુનેગારોને સુરત ખાતેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કાયાવરોહણ ખાતે રહેતા અતુલભાઇ હીરાભાઈ પટેલ (ઉંમર વર્ષ ૬૫) ખેતી કામ કરતા હતા. તેઓને તા.૧૬/૧૧/૨૫થી વોટ્સઅપ કોલ આવતો હતો અને વિડીયો કોલ આવતો હતો તેમાં જણાવતા હતા કે તમે ૪૦ કરોડ ફ્રોડ કર્યું છે તેમ કહીને ધમકી આપી આ ઉંમરલાયક ખેડૂતને ભયભીત કરતા હતા.
આ ડિજિટલ ફ્રોડ કરનાર ભેજાબાજથી કંટાળી ગયા હતા. તેઓએ એક દિવસ અતુલભાઇને ડિજિટલ એરેસ્ટ પણ કર્યા હતા, તેમજ છેલ્લે આ લોકોએ ડિજિટલ વોરંટ ઇસ્યુ કરીને ધરપકડની ધમકી આપતા અતુલભાઇ ખૂબ ડરી ગયા અને તા.૧૮/૧૧ના રોજ તેઓએ કપાસમાં છાંટવાની જંતુનાશક દવા પીને આપઘાત કર્યો હતો.
કાયાવરોહણના રામના ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા અતુલભાઈ હિરાભાઈ પટેલને તેમના મોત બાદ પણ આ ડિજિટલ ફ્રોડ કરનારાઓનો ફોન આવતા આ વાતમાં તથ્ય જણાઈ આવતા પોલીસે તપાસ શરૃ કરી હતી અને પોલીસે તેમના પર આવેલા કોલ ઉપરથી આજરોજ સુરતથી નિકુંજભાઈ નરેશભાઈ પાનેસરીયા રહેવાસી સુરત ૧૦૦૨ પ્રિયાંક એવન્યુ મોટા વરાછા રોડ સુરત જ્યારે મૂળ નેસડી ગામ તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલીના છે.
જ્યારે બીજો ગુનેગાર હેનિલ ભાવેશ પાનેસરીયા રહેવાસી સુરત ૯૦ વર્ધમાન સોસાયટી શ્યામ ચોક નાના વરાછા રોડ મૂળ નસડી ગામના રહેવાસી છે તેઓની પોલીસે ધરપકડ કરી અને તપાસ શરૃ કરી છે.


