સડલામાં વાડીમાં ઢોર ચરાવવાની ના પાડતા ખેડૂત પર હુમલો
ખેડૂતને કુંડલીવાળી લાકડી વડે માર મારતા ઈજા - 2 શખ્સ સામે ફરિયાદ
સુરેન્દ્રનગર - મુળી તાલુકાના સડલા ગામે વાડીના સેઢા પર ઢોર ચરાવવાની ના પાડતા બે શખ્સોએ કુંડલીવાળી લાકડી વડે તેમજ ઢીકા-પાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે ભોગ બનનારે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
મુળીના સડલા ગામે રહેતા નવઘણભાઈ ગટુરભાઈ સાકરીયાની કળમાદ રોડ પર આવેલ વાડી પાસે છેલ્લા ૧૦-૧૫ દિવસથી કળમાદ ગામના બે પશુપાલકો પોતાના ઢોર ચરાવી રહ્યાં હતાં આથી ફરિયાદીએ વાડી અંદર ઢોર ચરાવવાની ના પાડતા બંને શખ્સોએ એકસંપ થઈ ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો અને ગાળો આપી હતી તેમજ કુંડલીવાળી લાકડીથી માથાના ભાગે મારમારી ઢીકા-પાટુનો મારમાર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ બે શખ્સો મેહુલભાઈ જોધાભાઈ રબારી એન વિજયભાઈ જોધાભાઈ રબારી (બંને રહે.કળમાદ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.