આડાસંબંધની શંકાથી ખેત મજૂરની ઘાતકી હત્યા, આરોપી સકંજામાં

પડધરીના નાની અમરેલી ગામની ઘટનામાં કુહાડાના ઘા ઝીકી આંતરડા બહાર કાઢી નાખ્યા, પથ્થરના ઘાથી માથું છુંદી નાખ્યું
રાજકોટ, : મૂળ મધ્યપ્રદેશના અને હાલ પડધરીના નાની અમરેલી ગામની સીમમાં પરિવાર સાથે રહી વાડી વાવતા ગુમાનસીંગ ચંદ્રસીંગ માનકરની પોતાની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકાના આધારે નજીકમાં રહેતા આરોપી બહાદુર થાનસીંગ ભીલે ઘાતકી હત્યા નિપજાવી હતી. પડધરી પોલીસે ગુનો દાખલ કરી આરોપીને સકંજામાં લઈ તપાસ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યા પ્રમાણે મૃતક ગુમાનસીંગ નાની અમરેલી ગામની સીમમાં ઘનશ્યામભાઈ વરૂની વાડી વાવતો હતો. ત્યાં જ પત્ની કિરણ અને ચાર પુત્ર અને બે પુત્રી સહિતના પરિવાર સાથે રહેતો હતો. ગઈકાલે રાત્રે દસેક વાગ્યે તે પત્નીને વાડીની બાજુમાં ઝુંપડામાં રહેતાં બહાદુરને ત્યાં બેસવા જતો હોવાનું કહી નીકળી ગયા બાદ લાપત્તા બની ગયો હતો.
તેની પત્નીએ શોધખોળ શરૂ કરતાં સુવાગ ગામના ડેમના કાંઠા પાસેથી તેની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જે અંગે પડધરી પોલીસને જાણ થતાં તપાસ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે મૃતક ગઈકાલે બહાદુરના ઝુંપડે બેસવા ગયો હતો અને તેની પત્ની સાથે બેઠો હતો ત્યારે બહાદુર જોઈ જતાં ઉશ્કેરાઈ જઈ તેણે તિક્ષણ હથિયાર અને પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. ત્યાર પછી લાશને અંદાજે 600 મીટર સુધી ઢસડી સુવાગ ડેમના કાંઠે ફેંકી દીધી હતી.
આરોપી બહાદુરે કુહાડાના ઘા ઝીંકી દીધાની શકયતા પોલીસે દર્શાવી છે. મૃતકના શરીરમાંથી આંતરડા બહાર નીકળી ગયા હતા. પથ્થરના ઘા ઝીંકી તેનું માથું પણ છુંદી નખાયું હતું. પડધરી પોલીસે મૃતકની પત્ની કિરણની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આરોપી પણ મૂળ મધ્યપ્રદેશનો વતની છે.








