ફરાળી ઢોસા, મન્ચુરીયન, પીઝા, દહીવડા, ફરાળી ઊંધીયું, પંજાબી સબ્જીની બોલબાલા
શ્રાવણ માસમાં ઉપવાસ પણ સુરતી સ્ટાઇલમાં
સવારે દુધ નાસ્તો, બપોરે થાળી, સાંજે ફાસ્ટફુડ અને રાત્રે ભોજન જોકે બધુ જ ફરાળી ઃ ભાગ્યે જ કોઇ નકોરડા ઉપવાસ કરે છે
સુરત,
શ્રાવણ માસની શરૃઆત સાથે જ સુરતમાં અનેક શ્રદ્ધાળુઓ ઉપવાસ કરી રહ્યાં છે તો કેટલાક લોકો ઉપવાસ તો કરે છે પરંતુ તે સુરતી ખાણી પીણીની સ્ટાઈલમાં કરી રહ્યાં છે. ફરાળી ઢોસા, ફરાળી મનચુરીયન, ફરાળી ઉંધીયું અને ફરાળી પીઝાની બોલબાલા છે
વર્ષો પહેલાં શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ નકોરડા ઉપવાસ કરતાં અને કોઈ એક સમય ખાઈને ઉપવાસ કરતા હતા પરંતુ હાલમાં ફાસ્ટ સમય સાથે ઉપવાસની સ્ટાઈલમાં પણ ધરખમ ફેરફાર જોવા મળી રહ્યાં છે. ફરસાણની દુકાનોમાં અવનવી ફરાળી વાનગીઓનો રસથાળ જોવા મળે છે.પહેલાં ફરાળી વેફર, ચેવડો અને પેટીસ જોવા મળતા હતા પરંતુ હવે યંગસ્ટર્સ પણ ઉપવાસ કરી રહ્યા છે પરંતુ તેઓ ફાસ્ટ ફુડની ટેવ છોડી શકતા નથી તેના માટે પણ ફુડ બજારમાં ફરાળી ઢોસા, ફરાળી મન્યુરિયન ફરાળી પીઝા, ફરાળી દહીં વડા સાથે સાથે ફરાળી આલુ ટીક્કી જેવી વાનગીની બોલબાલા છે.
કેટલાક સુરતીઓ શ્રાવણ માસમાં પણ અસલ સુરતી ટેસ્ટનો આગ્રહ રાખતા હોય કેટલીક ફરસાણની દુકાનોમાં ફરાળી ઉંધીયુ અને રતાળુની ફરાળી કટલેસ પણ બનાવી રહ્યા છે. કેટલાક શ્રધ્ધાળુ પુરા ભોજનનો આગ્રહ રાખે છે તેમના માટે સુરતના અનેક વિસ્તારમાં ફરાળી થાળી પણ મળતી થઈ છે. તેમાં મોરીયો, કઢી, સાથે સાથે બટાકા સુરણનું શાક, એક સ્વીટ, રાજગરાની પુરી, સુરણની ચીપ્સ, ફરાળી ઢોકળા- ખમણ, શક્કરિયાનો શીરો,ફરાળી પેટીસ હોય છે. આટલું જ નહી પરંતુ ટામેટાની ગ્રેવી સાથે પનીરના ટુકડા કરીને પણ ફરાળી પંજાબી શાક પીરસવામાં આવી રહ્યું છે. ઉપરાંત દહીવળા, ફરાળી બટાકા પુરી, ફરાળી ભેળ જેવી ફરાળી વાનગીઓ પણ લારી અને દુકાનોમાં જોવા મળી રહી છે.
રેડી ટુ ઈટ ફરાળી ખીચું, ફરાળી ભાખરી અને પફ પણ ફરાળી
સુરતની
અનેક દુકાનો પર હાલ શ્રાવણ માસમાં ઈન્સ્ટન્ટ ફરાળી ખીચું અને ઇન્સ્ટન્ટ ફરાળી ઢોકળા ની પણ એન્ટ્રી થઈ છે. આ લોટ ખરીદીને
લોક ઘરે લઈ જાય છે અને ગણતરીની મિનિટોમાં પાણી સિવાય કોઈ પણ વસ્તુ ઉમેર્યા વિના ફરાળી
વાનગી બનાવી આરોગી શકે છે. આની સાથે સાથે સુરતના બજારમાં ફરાળી ભાખરી અને ફરાળી પફ
પણ વેચાતા જોવા મળે છે તેથી લોકો ચા કે દુધ
સાથે આ ફરાળી નાસ્તો પણ કરી શકે છે.