ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટે દુનિયાને કહ્યું અલવિદા, ધર્મ જગતમાં શોકનો માહોલ
ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન આજે સવારે જામનગર ખાતે થયું હતું
ગુજરાતના ધર્મ જગતમાં આજે સવારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. ગુજરાતના પ્રખ્યાત ભજનીક લક્ષ્મણ બારોટે આજે સવારે 5 વાગ્યે દુનિયાને અલવિદા કહ્યું હતું. તેમનું નિધન આજે સવારે જામનગર ખાતે થયું હતું. લોકગાયક અને ભજનીક લક્ષ્મણ બારોટ માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ ભારત સહિત વિદેશોમાં પોતાના ભજનો માટે જાણીતા હતા. તેમનાં ગુરુ ભજનીક નારાયણ સ્વામી હતા.
કૃષ્ણપુરીમાં નિયમિત ડાયરા અને ભજન યોજાતા
ભજનીક અને લોકગાયક લક્ષ્મણ બારોટના નિધનના કારણે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા તેમનાં આશ્રમમાં શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. લક્ષમણ બારોટે શ્રી શક્તિ ભજન પીઠાશ્રમ નામનું આશ્રમ આદિવાસી વિસ્તારમાં બનાવ્યું હતું. આ આશ્રમની લક્ષ્મણ બારોટ ઘણી વખત મુલાકાત લેતા હતા. ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામમાં તેમનાં નિયમિત ડાયરા અને ભજનના કાર્યક્રમો યોજવામાં આવતા હતા.