ત્રણ દીકરીઓ પછી દીકરો જન્મતા બાધા પૂરી કરવા માટે બગદાણા જતા પરિવારની કાર પાણીમાં ડૂબી

વડોદરા,મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા ઇજાગ્રસ્ત થયેલા પાંચ વ્યક્તિઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં તેઓની સારવાર થઇ રહી છે. એક મહિલાનો આખો પરિવાર દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. જ્યારે મહિલાનો બચાવ થયો હતો.
આ અંગેની વિગત એવી છે કે, દરિયાપુર ગામે રહેતા સોનલબેન પઢિયાર પણ આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા. સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, મારે સંતાનમાં ત્રણ દીકરીઓ છે. ત્યારબાદ દીકરો આવતા અમે બગદાણાની બાધા રાખી હતી. જેથી, હું મારા પતિ, દીકરા અને અન્ય સંબંધીઓ સાથે સવારે સાત વાગ્યે અમારા જમાઇની કાર લઇને બગદાણા જવાના નીકળ્યા હતા. બ્રિજ તૂટતા જ અમારી કાર પાણીમાં ખાબકી હતી. અમારી કારના આગળના ભાગે એક ટ્રક પડતા કારનો કચ્ચરઘાણ થઇ ગયો હતો. કારનો પાછળનો દરવાજો ખૂલી જતા હું બહાર નીકળી ગઇ હતી. પાણીમાં ઉભા રહીને મેં મારા દીકરા તથા અન્યને બચાવવા માટે બૂમો પાડતી રહી પણ એક કલાક સુધી કોઇ જ મદદે આવ્યું નહતું. ત્યારબાદ નાવડીવાળાએ આવીને મને બહાર કાઢી હતી. કારમાં જગ્યા નહી હોવાથી મારી બે દીકરીઓ ઘરે હતી.આ પરિવારના અન્ય તમામ સભ્યોના મોત થયા હોવાની આશંકા સેવાઇ રહી છે.
સોશિયલ મીડિયા પર વીડિયોમાં ફોઇને મદદ માંગતા જોઇ હું દોડી ગયો
પાદરા નજીકના ડબકા ગામે મોહંમદપુરા ગામે રહેતો ૩૫ વર્ષનો ધર્મેશ વાસુદેવભાઇ પરમાર દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત ફોઇને સારવાર માટે લઇને સયાજી હોસ્પિટલમાં આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર બ્રિજ દુર્ઘટનાનો વીડિયો જોયો હતો. જેમાં પાણીમાં ઉભા રહીને મદદ માટે બૂમો પાડતી મહિલા મારા ફોઇ સોનલબેન હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી, હું તરત ત્યાં દોડી ગયો હતો. અને મારા ફોઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યો છું.
હું જાગ્યો ત્યારે ટ્રક પાણીમાં હતો, હું ટ્રક પર ચઢી ગયો
વડોદરા,
દ્વારકામાં રહેતા અને કાકા મેરામણભાઇ સાથે દ્વારકાથી ટ્રકમાં કોસ્ટિક સોડા ભરીને રાજુભાઇ ડોડાભાઇ અંકલેશ્વર જતા હતા. તેઓએ જણાવ્યું હતું કે, હું ઊંઘી ગયો હતો અને મારા કાકા ટ્રક ચલાવતા હતા. બ્રિજ તૂટતા અમે પાણીમાં પડયા ત્યારે અચાનક હું જાગી ગયો હતો. હું બહાર નકીળી ગયો હતો. ટ્રક પાછળથી ઉંચી થઇ ગઇ હોવાથી હું ટ્રક પર ચઢી ગયો હતો. નાવડી લઇને લોકો આવ્યા હતા અને બહાર કાઢ્યો હતો. મારા કાકાની કોઇ ખબર નથી.
બ્રિજ પર ખાડા હોઇ સામાન્ય ટ્રાફિક જામ હતો
વડોદરા,
રાજસ્થાનના ઉદેપુરનો ૪૦ વર્ષનો ટેન્કર ્ ડ્રાઇવર ગણપતસિંહ રાજપૂત દહેજથી સલ્ફ્યુરિક એસિડ ભરીને કંડલા જવા નીકળ્યો હતો. તેનું કહેવું છે કે, બ્રિજ પર એટલા મોટા ખાડા હતા કે, સ્પીડમાં વાહન ચલાવવું શક્ય જ નહતું. બ્રિજ પર સામાન્ય ટ્રાફિક જામ હતો. જેથી, વાહનો ધીરે ધીરે ચાલતા હતા. અચાનક જ બ્રિજ તૂટી પડતા મારી ટેન્કર પાણીમાં પડી હતી. હું ટેન્કરનો આગળનો કાચ તોડીને બહાર આવીને નજીકના પિલ્લર પર બેસી ગયો હતો.થોડીવાર પછી નાવડીવાળા આવ્યા હતા અને મને બહાર લઇ આવ્યા હતા.
પાણીમાં તરતી બોરી પકડી લેતા બચી ગયો
વડોદરા,
બોરસદ નજીકના દહેવાણ ગામે રહેતા ૪૨ વર્ષના નરેન્દ્રભાઇ રતનભાઇ પરમાર એકલબારા પાસે આવેલી કંપનીમાંથી છૂટીને ઘરે પરત જઇ રહ્યા હતા. તેમણે કહ્યું કે, હું બ્રિજ પરથી પસાર થતો હતો. તે દરમિયાન બ્રિજ તૂટી પડતા પાણીમાં બાઇક સાથે પટકાયો હતો. પાણીમાં તરતી બોરીઓ પૈકીની એક બોરી પકડી લેતા હું ડૂબ્યો નહતો અને ત્યારબાદ નાવડીમાં મને બહાર કાઢવામાં આવ્યો હતો. મારી સાથે બાઇક પર બેઠેલા ભૂપેન્દ્રભાઇની કોઇ ભાળ મળી નથી. નરેન્દ્રભાઇ અને ભૂપેન્દ્રભાઇ નાઇટ શિફ્ટની નોકરી પરથી છૂટીને ઘરે જઇ રહ્યા હતા.
બ્રિજ પર લટકતી પાઇપ પકડીને હું બહાર આવી ગયો
વડોદરા,
ગંભીરા નજીકના નાની શેરડી ગામે રહેતા ૩૮ વર્ષના દિલીપભાઇ રાયસિંગભાઇ પઢિયાર ઇલેઝોમ કંપનીમાં કેન્ટિનમાં નોકરી કરે છે. તેમણે જણાવ્યું હતું કે, હું નોકરી પરથી છૂટીને બાઇક પર ઘરે જઇ રહ્યો હતો. તે દરમિયાન બ્રિજ તૂટી પડતા હું બ્રિજ પરથી નીચે પટકાયો હતો. થોડી ક્ષણ માટે તો મને કંઇ જ ખબર ના પડી પણ જ્યારે ભાન થયું ત્યારે પાણીમાં ગરકાવ હતો. બ્રિજ પરથી પાણીમાં લટકતી પાઇપ પકડી લેતા હું બચી ગયો હતા. ત્યારબાદ મને લોકોએ બહાર કાઢ્યો હતો. નરેન્દ્રભાઇના સગાએ જણાવ્યું હતું કે, તેમની દીકરીની રવિવારે જ સગાઇ થઇ હતી અને ડિસેમ્બર મહિનામાં લગ્ન લેવાના હતા
એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રીના મોત
વડોદરા,
સોનલબેન પઢિયાર તેમના પતિ રમેશભાઇ, દીકરો નૈતિક, દીકરી વેદિકા, જમાઇ પ્રવિણભાઇ, નણંદોઇ વખતસિંહ તથા બનેવી હસમુખભાઇ બાધા પૂરી કરવા માટે સવારે ૭ વાગ્યે ઘરેથી નીકળ્યા હતા. બ્રિજ તૂટતા માત્ર સોનલબેનનો બચાવ થયો હતો.જ્યારે અન્ય તમામના મોત થયા છે. સોનલબેનની બે દીકરીઓ કારમાં જગ્યા નહી હોવાથી ઘરે રહી જતા તેઓનો પણ બચાવ થયો છે.
બ્રિજ દુર્ઘટના ના ૧૨ કલાક પછી પણ હજી કેટલાક લોકોની ભાળ નથી
સ્વજનોને શોધવા માટે પરિવારજનો પાદરા, મુજપુર અને સયાજી હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે
વડોદરા,
ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ૧૨ કલાક પછી પણ કેટલાય લોકોની હજી સુધી ભાળ મળી નથી અને પરિવારજનો પાદરા , મુજપુર અને સયાજી હોસ્પિટલમાં પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. પરંતુ, તેઓને કોઇ માહિતી મળતી નથી.
બુધવારે સવારે ગંભીરા બ્રિજ તૂટી પડતા અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા હતા અને સંખ્યાબંધ લોકોને ઇજા પહોંચી હતી. આ દુર્ઘટના બાદ ઇજાગ્રસ્તોને પાદરા અને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બપોરે બે વાગ્યા સુધી પણ કેટલાય લોકોની ભાળ મળી નથી. પાદરા નજીકના બામણ ગામે રહેતા દિલીપ ઈશ્વરભાઈ પઢિયાર (ઉં.વ.૨૫), ભવનભાઈ ભીખાભાઈ ચાવડા ( ઉં.વ.૪૫) અને અતુલ જયંતિભાઈ રાઠવા (ઉં.વ.૨૧) ની કોઈ ભાળ મળી નથી. આ ત્રણેય જણા બાઈક પર પાદરા જવા નીકળ્યા હતા અને બ્રિજ દુર્ઘટના બાદ તેઓનો કોઈ પત્તો લાગતો નથી. ત્રણેયના મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ બતાવે છે. સયાજી હોસ્પિટલમાં આવેલા દિલીપભાઈના ભાઈ ઘનશ્યામભાઈ તથા બહેને જણાવ્યું હતું કે, હજી સુધી અમારા ભાઈ અને અન્ય બે ની કોઈ ખબર મળી નથી. અમે પાદરા, મુજપુર અને છેવટે સયાજી હોસ્પિટલમાં તપાસ કરવા માટે આવ્યા છે. પરંતુ અમારા સ્વજનોની કોઈ ખબર પડતી નથી.
બસ મોડી આવતા લેટ થયું અને હું બચી ગયો
વડોદરા,
નાની શેરડી ગામે જ રહેતો વિપુલ પઢિયાર પણ આ બ્રિજ પરથી જ બસમાં બેસીને જતો હતો. પરંતુ, બસ મોડી આવતા તે મોડો ગયો અને બ્રિજ દુર્ઘટનાથી બચી ગયો.









