Gujarat

આણંદના બાકરોલમાં એનઆરઆઈની જમીનની ઓરડીમાં પરિવારનો કબજો

By GS TEAM
17 Jul 20252 mins read
આણંદના બાકરોલમાં એનઆરઆઈની જમીનની ઓરડીમાં પરિવારનો કબજો

- વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં લેન્ડગ્રેબિંગનો ગુનો

- મહિલા અને ત્રણ બાળકોએ ઓરડી ખાલી કરવા લાખો રૂપિયા માંગી સિવિલ કોર્ટમાં દાવો કર્યો

આણંદ : આણંદ પાસેના બાકરોલ ગામની સીમમાં આવેલી એનઆરઆઇની જમીન ખાતે બનાવેલી ઓરડી ઉપર એક જ પરિવારના ચાર સભ્યોએ ગેરકાયદે કબજો જમાવી દેતા વિદ્યાનગર પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાયો છે. 

મૂળ બાકરોલ ગામના અને હાલ અમેરિકા ખાતે રહેતા ભુપેન્દ્રભાઈ અંબાલાલ પટેલની બાકરોલ ગામની સીમમાં વડીલોપાર્જીત જમીન આવેલી છે. ભુપેન્દ્રભાઈના બહેન નૂતન બેને તા. ૧૯મી માર્ચ ૨૦૨૫ના રોજ ભુપેન્દ્રભાઈને પાવર ઓફ એટર્ની કરી આપ્યો હતો. જમીન ભુપેન્દ્રભાઈના બનેવી મહેન્દ્રભાઈ પટેલે પચ્ચીસેક વર્ષ પૂર્વે ખેડવા માટે આપી હતી અને મજૂરી કરવા માટે અજરપુરાના જોશેફ ભાઈ ક્રિશ્ચનને રાખ્યા હતા. બાકરોલ ગામે રહેવાની સગવડ ન હોવાથી મહેન્દ્રભાઈએ આ જમીનમાં બનાવેલી ઓરડી તેમને રહેવા માટે આપી હતી. ૨૦૧૨માં મહેન્દ્રભાઈએ ભુપેન્દ્રભાઈને જમીન મારે હવે ખેડવી નથી અમેરિકા જવું છે તેમ કહેતા ભુપેન્દ્રભાઈએ મહેન્દ્રભાઈ પાસેથી જમીન પરત મેળવી લીધી હતી અને ખેતી શરૂ કરી હતી. દરમિયાન જમીનમાં બનાવેલ ઓરડીમાં જુલિયાબેન તથા તેમના ત્રણ બાળકો રહેતા હતા અને જુલિયાબેનના પતિ જોશેફ ભાઈ ગુજરી ગયા હતા. ત્યારબાદ ભુપેન્દ્રભાઈએ જુલિયાબેનને ઓરડી ખાલી કરવાનું કહેતા અમારે મહેન્દ્રભાઈ પાસે પૈસા લેવાના નીકળે છે જે આપી દો પછી ખાલી કરી આપીશું તેમ કહ્યું હતું. ઓરડી ખાલી કરવા લાખો રૂપિયાની માંગણી કરી હતી. સાથે જુલિયાબેને આણંદની સિવિલ કોર્ટમાં દાવો પણ કર્યો હતો. આખરે ભુપેન્દ્રભાઈ પટેલે આણંદ જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં અરજી કરી હતી. જે અંગે કમિટી દ્વારા તપાસ બાદ હુકમ કરાતા વિદ્યાનગર પોલીસે જુલિયાબેન જોશેફ ભાઈ ક્રિશ્ચિન, પ્રકાશભાઈ જોશેફ ભાઈ ક્રિશ્ચિન, પ્રિયંકા જોસેફ ભાઈ ક્રિશ્ચિન અને રીટાબેન જોસેફ ભાઈ ક્રિશ્ચિન તમામ રહે. બાકરોલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.