જાફરાબાદના દરિયામાં 5 દિવસથી ગુમ ખલાસીનો મૃતદેહ મળી આવતા પરિવારમાં આક્રંદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Amreli Jafrabad News : અમરેલીના જાફરાબાદના દરિયામાં પાંચ દિવસ પહેલા અચાનક લાપતા થયેલા ખલાસીની શોધખોળનો આજે કરૂણ અંત આવ્યો છે. 23 નવેમ્બરના રોજ દરિયામાં ગુમ થયેલા ખલાસી જસવંત બારૈયાનો મૃતદેહ જાફરાબાદ અને દીવ વચ્ચેના દરિયામાંથી મળી આવ્યો છે. પાંચ દિવસથી દીકરાના હેમખેમ પાછા ફરવાની આશા રાખીને બેઠેલા પરિવાર પર આ સમાચાર મળતા જ આભ તૂટી પડ્યું હતું.
શું છે મામલો?
આ દુર્ઘટનાની વિગત એવી છે કે, 23 નવેમ્બરના રોજ યશવંત બારૈયા નામનો ખલાસી જાફરાબાદના દરિયામાં બોટ પર કામ કરી રહ્યો હતો તે દરમિયાન અકસ્માતે દરિયામાં પડી ગયો હતો અને લાપતા થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક માછીમારો અને તંત્ર દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. છેલ્લા બે દિવસથી મરીન પોલીસની બોટ પણ આ શોધખોળ અભિયાનમાં જોડાઈ હતી અને દરિયામાં સઘન તપાસ કરી રહી હતી. આજે પાંચમા દિવસે, જાફરાબાદ અને દીવ વચ્ચેના દરિયાઈ વિસ્તારમાંથી જસવંતનો મૃતદેહ મળી આવ્યો હતો.
મૃતદેહ જાફરાબાદ લવાયો
મૃતદેહ મળી આવ્યા બાદ તેને જાફરાબાદ ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાંથી તેને પોસ્ટમોર્ટમ અને અન્ય કાયદાકીય કાર્યવાહી માટે ખસેડવામાં આવ્યો છે. પોતાના સ્વજનનો મૃતદેહ મળી આવતા બારૈયા પરિવારમાં માતમ છવાયો હતો અને શોકનું મોજું ફરી વળ્યું હતું. પાંચ દિવસની આશા અને પ્રાર્થનાનો દુઃખદ અંત આવતા સમગ્ર ખલાસી સમાજમાં પણ ગમગીનીનો માહોલ છે.








