વડોદરા,જી.એ.સી.એલ. કંપનીમાં નોકરી કરતા ૫૭ વર્ષના કામદારનું મોત ચાલુ ફરજ પર થયું હતું. કંપનીએ વળતરની માગણી નહીં સ્વીકારતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો નથી.
રણોલી કાના મંગળની ચાલીમાં રહેતા ૫૭ વર્ષના મૂળજીભાઇ ચતુરભાઇ પઢિયાર ગઇકાલે રાત્રે આઠ વાગ્યે જી.એ.સી.એલ. કંપનીમાં કામ કરતા સમયે અચાનક ઢળી પડતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, તેઓનો જીવ બચી શક્યો નહતો. મોતનું કારણ જાણવા માટે જવાહરનગર પોલીસે મૃતદેહ પી.એમ. માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. દરમિયાન મૃતકના પરિવારજનોએ વળતરની માગણી કરી છે. પરંતુ, કંપની તરફથી તેઓની કોઇ માગણી સ્વીકારવામાં નહીં આવતા તેઓએ મૃતદેહ સ્વીકાર્યો નથી અને ગોત્રી હોસ્પિટલમાં જ ધરણા કર્યા છે. જો કંપની દ્વારા કોઇ વાતચીત કરવામાં નહીં આવે તો આવતીકાલે કંપની પર જઇને ધરણા કરવામાં આવશે. તેવું સામાજિક કાર્યકરે જણાવ્યું છે.


