Gujarat

ખાંભાના કંટાળા ગામે કૌટુંબિક તકરાર, યુવકની ઘાતકી હત્યા

By GS TEAM
4 Jun 20262 mins read
ખાંભાના કંટાળા ગામે કૌટુંબિક તકરાર, યુવકની ઘાતકી હત્યા

જમીનના વિવાદમાં બે ભાઈના પરિવારજનો બાખડયા

વારસાઈ જમીનના ભાગ પાડયા વગર રોટાવેટર ચલાવતા મામલો બિચક્યો, પત્ની-પુત્રી પર હુમલો, છ લોકો વિરૂધ્ધ ફરિયાદ

અમરેલી: ખાંભા તાલુકાના કંટાળા ગામમાં જમીનના ભાગ પાડવા બાબતે ચાલી રહેલા મનદુઃખમાં ભાઇ અને ભત્રીજાઓ દ્વારા કુહાડી, ખરપિયા અને લાકડીના ઘા મારીને આધેડની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં ૬ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  

પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી ગંગાબેન રાઘવભાઈ સોંદરવાએ તેમના સાસુના નામે આવેલી આશરે ત્રણ વીઘા જમીનના ભાગ પાડવા બાબતે છેલ્લા ચાર વર્ષથી જેઠ નાનજીભાઈ ભગવાનભાઈ સોંદરવા સાથે મનદુઃખ ચાલતું હતું.  ગંગાબેન, તેમના પતિ રાઘવભાઈ અને પુત્રી આરતીબેન પોતાની વાડીએ હતા.  જેઠ નાનજીભાઈએ ભાગ પાડયા વગર જ આ જમીનમાં રોટર્વેટર ચલાવવા માટે ટ્રેક્ટર બોલાવ્યું હતું. જ્યારે રાઘવભાઈએ તેમને પહેલા જમીનના ભાગ પાડવા માટે જણાવ્યું, ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા.   નાનજીભાઈ, રાજુભાઈ, નરશીભાઈ અને લખમણભાઈએ રાઘવભાઈને બિભત્સ ગાળો આપી ધઆજે તો તને પતાવી દેવો છેધ તેમ કહી હુમલો કર્યો હતો.  

જેમાં રાજુભાઈએ કુહાડીના જીવલેણ ઘા માથાના પાછળના ભાગે અને પગમાં માર્યા હતા. રાઘવભાઈ લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયા હતા. જ્યારે ગંગાબેન અને તેમની પુત્રી આરતીબેન તેમને બચાવવા વચ્ચે પડયા, ત્યારે કાંતુબેન અને ગીતાબેને લાકડી વડે તેમના પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ રાઘવભાઈને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ મામલે નાનજીભાઈ ભગવાનભાઈ સોંદરવા, રાજુભાઈ નાનજીભાઈ સોંદરવા, નરશીભાઈ નાનજીભાઈ સોંદરવા, લખમણભાઈ મેઘાભાઈ સોંદરવા, કાંતુબેન નાનજીભાઈ સોંદરવા અને ગીતાબેન નરશીભાઈ સોંદરવા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.