માતાના કબજામાં રહેલા 12 વર્ષના પુત્રની દીક્ષા સામે ફેમિલી કોર્ટનો સ્ટે, જાણો પતિએ શું કરી દલીલ
Surat News: લગ્ન જીવનની તકરાર વચ્ચે સગીર પુત્રનો હંગામી ધોરણે કબજો ધરાવતી માતા પાસેથી ઈન્દોરમાં રહેતા પતિએ પુત્રનો કબજો માંગતી અરજી પેન્ડિંગ હોવા દરમિયાન માતા અને અન્ય લોકો દ્વારા આગામી 21 અને 22 મેના દિવસે આયોજિત દીક્ષા કાર્યક્રમ પર સ્ટે લાદવા કરેલી માંગને સુરત ફેમિલી કોર્ટના ન્યાયાધીશ એસ.વી.મન્સુરીએ મંજૂર કરી છે.
આ પણ વાંચોઃ ગુજરાતના ચાર જિલ્લા માટે આગામી એક કલાક ભારે, પવન સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી
શું હતી ઘટના?
ઈન્દોર ખાતે રહેતા યુવકના લગ્ન હાલમાં સુરતના ડુમ્મસ વિસ્તારમાં રહેતી યુવતી સાથે 2008માં મહુડી વીજાપુર ખાતે થયા હતા. મે-2016માં બંનેને એક પુત્ર થયો હતો. જોકે, દંપતી વચ્ચેના સંબંધમાં ખટાશ આવ્યા બાદ તેઓ અલગ થયા હતા અને એકમેક વિરુદ્ધ સુરત અને ઈન્દોર ફેમિલિ કોર્ટમાં અલગ-અલગ કેસ દાખલ કર્યા હતા. આ દરમિયાન પતિએ સુરત ફેમિલિ કોર્ટમાં પત્નીની કસ્ટડીમાં રહેતા 12 વર્ષના પુત્રની વચગાળાની કસ્ટડી માંગી હતી તે અરજી પેન્ડિંગ છે. ત્યારે 21 અને 22 મેના રોજ સગીર પુત્રની જૈન દીક્ષા અંગે આમંત્રણ પત્રિકા પ્રસિદ્ધ થતા પતિએ સુરત કોર્ટમાં પત્ની, સાસુ, સસરા તથા જૈનાચાર્યોને પક્ષકાર તરીકે જોડી પોતાની રજામંદી વગર પોતાના સગીર પુત્રની દીક્ષાના કાર્યક્રમ પર રોક લગાવવા ન્યાય માટે અરજી કરી હતી.
કોર્ટનો મહત્ત્વનો નિર્ણય
સુનાવણીમાં જણાવાયું કે, અરજદારની પરવાનગી વગર દીક્ષા અપાઈ રહી છે. બંને પક્ષકાર વચ્ચે છૂટાછેડા થયા નથી. હિન્દુ માઇનોરીટી એન્ડ ગાર્ડિયન વોર્ડ એક્ટ હેઠળ પિતા સુપિરીયર ઓથોરીટી ગણાય. કોર્ટે બંને પક્ષોની રજૂઆત તથા કાયદાકીય જોગવાઈને લક્ષમાં લઈને વાલી અરજીનો આખરી નિકાલ ન થાય ત્યાં સુધી પુત્રને દીક્ષા આપવી-અપાવવી નહીં કે પુત્રની કસ્ટડી અન્યને સુપરત ન કરવા વચગાળાનો હુકમ કર્યો છે.