સાંકરદા ગામમાં નજીવી બાબતે તકરાર થતા પરિવાર પર હુમલો

વડોદરા,શહેર નજીકના સાંકરદા ગામે નજીવી બાબતે તકરાર થતા પરિવાર પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જે અંગે નંદેસરી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સાંકરદા ગામ વણકર વાસમાં રહેતા ચતુરભાઇ કિશોરભાઇ ડાભીએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું કુબેરભવનમાં મત્સ્ય ઉદ્યોગ ખાતામાંથી નિવૃત્ત થયો છું. મારો દીકરો જગદીશ ખાણ ખનિજ વિભાગમાં સિક્યુરિટીમાં નોકરી કરે છે. ગઇકાલે બપોરે બે વાગ્યે હું મારા ઘરે હતો. ત્યારે મારા દીકરા જગદીશે ઘરે આવીને જણાવ્યું હતું કે, રોહિતવાસમાં રહેતા જયેશભાઇ ઉર્ફે ગુલ્લો રોહિત મારો મજાક ઉડાવી કહેતો હતો કે, પેલો રખેવાળ ચાલ્યો. તે મને ગાળો પણ બોલ્યો હતો. થોડીવાર પછી જયેશભાઇ અને બે વ્યક્તિઓએ મારા ઘરે આવીને ગાળો બોલવા લાગ્યા હતા. મેં તેઓને ગાળો બોલવાની ના પાડતા અમારા પર હુમલો કર્યો હતો. મકાનની બહાર તુલસી ક્યારા પાસે મૂકેલી ઇંટોમાંથી ઇંટના ટૂકડા લઇ અમારા તરફ ફેંકતા મને તથા મારી પત્નીને નાક અને માથાના ભાગે ઇજા થઇ હતી. દરમિયાન આજુબાજુના લોકોએ દોડી આવી અમને છોડાવ્યા હતા. જતા જતા જયેશભાઇએ એવી ધમકી આપી હતી કે, તમે ત્રણેય જ્યાં દેખાશો ત્યાં તમને પતાવી દઇશ.








