વડોદરા, તા.21 પાદરા તાલુકાના મુજપુર પાસે રસ્તા તેમજ જમીનના ઝઘડામાં એક વૃધ્ધને તેના ઘર પાસેથી ઢસડી જઇ ખાટલાની પટ્ટીથી ઝાડ સાથે બાંધી ઢોર માર મારવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે. પોલીસે આ અંગે એક જ પરિવારના ચાર સભ્યો સામે ગુનો દાખલ કર્યો છે.
મુજપુરમાં દરિયાપુરા વિસ્તારમાં રહેતા બળવંતસિંહ અમરસિંહ પઢિયારે ગામમાં રહેતા છગનભાઇ પરમારના પુત્રો નટુ, કનુ, વિજય અને શકુબેન કનુભાઇ પઢિયાર સામે પાદરા પોલીસ સ્ટેશનાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખટંબા જીઇબીમાં નોકરી કરું છું. અમારે રસ્તામાં અવરજવર માટે નટુ પઢિયાર અને તેના કુંટુંબીજનો સાથે અવારનવાર ઝઘડો થતો હોય છે. તા.૧૭ના રોજ બપોરે હું પત્ની અને પુત્ર સાથે વડુ ખાતે ઘરની વસ્તુઓ ખરીદ કરવા માટે ગયો હતો.
દરમિયાન મારી પુત્રીનો ફોન આવ્યો હતો કે અમરસિંહદાદાને નટુભાઇ તેમજ તેના ઘરના સભ્યો અપશબ્દો બોલી માર મારે છે, દાદાને ખાટલાની પટ્ટી વડે ઝાડ સાથે દોરીથી બાંધી દીધા છે. પુત્રીની વાત સાંભળતા મેં તુરંત પોલીસને જાણ કરી હતી અને હું ઘેર પરત ફર્યો ત્યારે પોલીસે આવીને મારા પિતાને ઝાડ સાથે બાંધેલા છોડાવ્યા હતાં. બાદમાં તેમને સારવાર માટે હું હોસ્પિટલમાં લઇ ગયો હતો જ્યાં મેં પિતાની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે ડબકા ખાતે દવાખાનેથી હું સાઇકલ લઇને પરત ઘેર આવતો હતો ત્યારે આપણા ખેતર પાસે નટુ બાઇક લઇને આવ્યો હતો અને જમીનના વિવાદ બાબતે હું હમણાં માણસોને લઇને આવું છું તેમ કહી ત્યાંથી નીકળી ગયો હતો.
બાદમાં હું ઘેર પહોંચ્યો ત્યારે નટુ તેમજ તેના સંબંધીઓ ઘર પાસે આવીને મને ઢસડીને તેમના ઘર પાસે લઇ જઇ ખાટલાની પટ્ટી પગ પર બાંધી તેને આંબાના ઝાડ સાથે બાંધી મને લાતોથી માર માર્યો હતો અને ધમકી આપી કે હવે અમારું નામ લઇશ તો મારી નાંખીશું. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પાદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


