પરિવારનો આક્ષેપ ડોક્ટરની નિષ્કાળજીની ગર્ભસ્થ શિશુનું મોત, સગર્ભાની હાલત સિરિયસ

વડોદરા,ખોડિયાર નગર વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ થયેલી મહિલાના ગર્ભમાં રહેલા બાળકનું મોત થયું હતું. મહિલાની હાલત પણ સિરિયસ છે. પરિવારે ડોક્ટરની નિષ્કાળજીના આક્ષેપો કર્યા હતા.
આજવા રોડ સિકંદરપુરા ગામે રહેતી મિતલબેન રાહુલભાઇ ભાલીયા નામની સગર્ભા મહિલા ગઇકાલે સાંજે સાત વાગ્યે પ્રસૂતિ માટે ખોડિયાર નગર નજીક આવેલી સાયુજ પ્રસૂતિ ગૃહમાં દાખલ થઇ હતી. પરિવારનું કહેવું છે કે, ડોક્ટર એક જ વખત જોવા આવ્યા હતા. મારી દીકરીને રાતે દુખાવો વધી જવા છતાંય ડોક્ટર આવ્યા નહતા. સવારે ડોક્ટરે આવીને કહ્યું કે, તમારી દીકરીના ગર્ભમાં બાળકનું મોત થયું છે અને ગર્ભાશયની કોથળી પણ ફાટી ગઇ છે. પ્રસૂતાની તબિયત સિરિયસ હોઇ તેને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. ડોક્ટરની નિષ્કાળજીના કારણે જ મારી દીકરીને બાળક ગુમાવવું પડયું અને હાલમાં તેની તબિયત નાજુક છે.અમે બાપોદ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરૃદ્ધ ફરિયાદ આપવા આવ્યા છે. પરંતુ, પોલીસ અમારી ફરિયાદ લેતી નથી.
બાપોદ પોલીસ સ્ટેશનના પી.આઇ. એ જણાવ્યું છે કે, મેડિકલ ઓફિસર વિરૃદ્ધ ડાયરેક્ટ ગુનો દાખલ નહીં કરવાનો પરિપત્ર છે. જેથી, પેનલ પી.એમ. નો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. ડોક્ટરે કહ્યું છે કે, પરિવારની ઇચ્છા હતી કે, નોર્મલ ડિલિવરી થાય. જેથી, અમે રાહ જોઇ હતી. તે દરમિયાન કેસ બગડી ગયો હતો. અમે બાળક અને પ્રસૂતાને બચાવવા માટે તમામ પ્રયાસો કર્યા હતા. જ્યારે પરિવારે એવું કહ્યું છે કે, અમે ડોક્ટરને સિઝેરિયન કરવાનું કહ્યું હતું. પંરતુ, ડોક્ટરે સિઝેરિયન કર્યુ નહતું.








